જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી ઝડપાયેલ પશુઓને લગાવવા માટેના પ્રતિબંધિત ઇન્જેકશન બનાવતી ફેકટરીના ફરાર આરોપીને જામનગર એસઓજી દ્વારા રડાર રોડ, સોમનાથ મેડિકલ પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગોકુલનગર નજીકથી એસઓજી દ્વારા પશુઓને આપવાના ઇન્જેકશન બનાવતી ફેકટરી ઝડપી લીધી હતી. આ કેસના ફરારી આરોપી રામા દેશુર ગોજીય (ઉ.વ.35) નામનો આરોપી હાલ રડાર રોડ, સોમનાથ મેડિકલ પાસે હોવાની એસઓજીના અરજણભાઇ કોડિયાતર તથા રમેશભાઇ ચાવડાને બાતમી મળી હતી.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના પીઆઇ આર.વી. વિંછીના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી આરોપી રામા દેશુર ગોજીયાને ઝડપી લીધો હતો. આરોપી દ્વારા પૂછપરછ દરમિયાન છેલ્લા પાંચ વર્ષથી પશુઓને આપવાના ઇન્જેકશન બનાવતી ફેકટરી પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં ચલાવતો હોવાની કેફીયત આપી હતી. જેને આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.