કોરોના સંકટ વચ્ચે એક નવી ચુનૌતી સામે આવી છે અને તે છે મ્યુકોરમયકોસિસ. દેશમાં આ બીમારીના હજારો કેસ સામે આવ્યા છે. ત્યારે હવે બાળકો પણ મ્યુકોરમયકોસિસનો શિકાર બની રહ્યા છે. ઉત્તરપ્રદેશના આગરામાં 14 દિવસની બાળકીમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળતા ડોકટરો દ્રારા તેનો જીવ બચાવવા માટે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે.
આગરામાં સરોજીની નાયડુ મેડીકલ કોલેજના ડોકટરો દ્રારા આ બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. 14 દિવસની આ બાળકીને ગાલ પર કાળું નિશાન જોવા મળ્યું હતું. બાદમાં તેને હોસ્પિટલ લઇ જતા ખબર પડી કે તેણી મ્યુકોરમાયકોસિસનો શિકાર છે.બાદમાં તેનું ઓપરેશન કરી ઇન્ફેકશનને દુર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં બ્લેક ફંગસના લક્ષણો જણાય છે. પરંતુ આ બાળકીને કોરોના ન હતો છતાં પણ તેણી ભોગ બની હતી. ઓપરેશન કરાયા બાદ બાળકી સ્વસ્થ છે. કોરોનાની બીજી લહેરમાં બ્લેક ફંગસ વ્હાઈટ ફંગસના કેસો સામે આવતા લોકો તથા ડોકટરોની ચિંતા વધી છે. બ્લેક ફંગસના કેસમાં વધારો થતાં દેશમાં અનેક જગ્યાએ તેના ઈલાજ માટેના ઈન્જેકશનની અછત ઉભી થતા કેન્દ્ર સરકાર દ્રારા રાજ્યોને આ ઈન્જેકશનનો જથ્થો અપાઈ રહ્યો છે.