કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી શખ્સને દસ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ સેશન્સ અદાલતે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી આજથી આશરે ત્રણેક વર્ષ પહેલાં તેણીના કુટુંબી કાકાના ઘરે જઈ રહી હતી ત્યારે રાત્રિના સમયે આ વિસ્તારમાં રહેતા ભીમા હાજા સિંગરખીયા નામના શખ્સે છરી બતાવી અને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, આ બાબત જો તેણી કોઈને કહેતો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાથી જે-તે સમયે કલ્યાણપુર પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ અંગેનો કેસ દ્વારકાની સેશન્સ અદાલતમાં ચાલી જતાં અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ તથા આધાર પુરાવા, એફ.એસ.એલ.ના રિપોર્ટ તથા 14 સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઇ અને દ્વારકાના એડિશનલ સેશન્સ જજ પી.એચ. શેઠ દ્વારા આરોપીને 10 વર્ષની સખ્ત કેદ તથા રૂા. 11,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.