જામનગરમાં તાપમાનનો પારો સતત નીચે સરકતો જઇ રહ્યો છે જેના પરિણામે શહેરીજનો કાતિલ ઠંડીના શિયાળા તરફ જઇ રહ્યા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાન 3 ડીગ્રી જેટલુ ઘટયુ છે અને આજે સિઝનનું સૌથી ઓછુ 12.5 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
જામનગરમાં ધીમે ધીમે શિયાળાની જમાવટ થતી જાય છે લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે ઘટતો જઇ રહ્યો છે જેના પરિણામે શહેરીજનો શિયાળાની ઠંડીનો સામનો કરતા જઇ રહ્યા છે. વહેલી સવારે તથા મોડી સાંજે શિયાળાની વધુ અસર જોવા મળી રહી છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં લઘુતમ તાપમાન 12.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડીગ્રી, ભેજનું પ્રમાણ 46 ટકા તથા પવનની ગતિ 3.2 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડીગ્રીનો ઘટાડો થયો છે. જામનગરમાં લઘુતમ તાપમાન ઘટતુ જઇ રહ્યું છે. જેના પરિણામે શિયાળાના અસલ મીજાજ આગામી દિવસોમાં લોકોને જોવા મળી શકે છે.
ખાસ કરીને વહેલી સવારે તથા મોડી સાંજે ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. જેના પરિણામે વહેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધતા હવે ઠંડા પીણાની માંગ ઘટી, ચા-કોફી, કાવો સહિતના ગરમ પીણાની માંગ વધતી જઇ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે.


