જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણ દિવસમાં સાડા ચાર ડિગ્રી જેટલો ઉંચકાયો છે આમ છતાં બર્ફિલા પવનોને કારણે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા છે. છેલ્લાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. આમ છતાં શિતલહેર થી શહેરીજનો ધુ્રજી ઉઠયા છે. બર્ફીલા પવનો અને બેઠા ઠારથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાની જામનગર સહિત ભારતના અનેક શહેરોમાં અસર જોવા મળી રહી છે. જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં પહોંચી ગયા બાદ સાડા ચાર ડિગ્રી જેટલો પારો ત્રણ દિવસમાં ઉંચકાયો છે. આમ છતાં પણ બર્ફિલા પવનોથી શહેરીજનો ધ્રુજી ઉઠયા છે. આજે સવારે પુરા થતા છેલ્લાં 24 કલાકના તાપમાની વાત કરીએ તો લઘુતમ તાપમાન 14 ડિગ્રી, મહત્તમ તાપમાન 24 ડિગ્રી, ભેજનું પ્રમાણ 53 ટકા તથા પવનની ગતિ 7.8 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. બર્ફિલા પવનોને કારણે રાત્રિના સમયે માર્ગો પર ચહલ પહલ ઘટતા માર્ગો સુમસામ બનતા જઈ રહ્યા છે. બર્ફિલા પવનોને કારણે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ છે. તાપમાનનો પારો સરકારી આંકડામાં ભલે ડબલ ડીજીટમાં નોંધાયો હોય. આમ છતાં શહેરીજનો સિંગલ ડિજીટ તાપમાન જેટલી ઠંડી અનુભવી રહ્યા હોય. ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.
મોડી સાંજે તથા વહેલીસવારે બેઠા ઠારથી જનજીવન પ્રાવિત થઈ રહ્યું છે. લોકો ખાસ કરીને વડીલો તથા વૃધ્ધો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. અને ઠંડીથી બચવા ઘરમાં જ આશરો લઈ રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા તાપણાની સાથે સાથે શહેરીજનો શિયાળુ વાનગીઓનો પણ લાભ ઉઠાવી રહ્યા છે.