દ્વારકાથી આશરે 16 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર ગોરિંજા ગામ પાસે ચઢતા પહોરે આશરે પોણા પાંચ વાગ્યાના સમયે જી.જે. 12 સી.પી. 7065 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલક ભાવેશભાઈ બટુકભાઈ અબોટીએ પોતાની કારને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ ઈક્કો મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં બેઠેલા ધનજી રમેશભાઈ વિરડા નામના 15 વર્ષના તરૂણને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારમાં સવાર અન્ય મુસાફરો ગૌરવ, રવિ, જયેશ વિગેરેને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે રહેતા અરુણભાઈ વિરડા (ઉ.વ. 31) એ ઈક્કો કારના ચાલક ભાવેશભાઈ બટુકભાઈ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 279, 227, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


