ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા મનુભાઈ ગુરભાઈ ડામોર નામના 16 વર્ષના તરુણને રૂપિયા 14 હજારની કિંમતનો મોબાઈલ ફોન લેવો હોય, આ માટે તેણે પોતાના પિતાને વાત કરી હતી. પરંતુ તેમણે મોબાઈલ ફોન લઇ આપવાની ના કહેતા આ બાબતથી મનુભાઈને માઠું લાગી ગયું હતું. જેથી તેણે તેઓની વાડીમાં જઈ અને કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા ગુરભાઈ ચકાભાઈ ડામોર (ઉ.વ. 38 રહે. વાનાવડ)એ ભાણવડ પોલીસને કરી છે.
દ્વારકાના એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસમાં રહેતા મુનેશભાઈ ઉર્ફે સુરેશભાઈ બાલાભાઈ ચૌહાણ નામના 40 વર્ષના યુવાનને બીપી અને કિડનીની બીમારી હોય, તેની ચાલુ દવા હોય આ દરમિયાન તારીખ 13 મી ના રોજ રાત્રીના સમયે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પત્ની રૂપાબેન મુનેશભાઈ ચૌહાણ(ઉ.વ. 31) એ દ્વારકા પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા સુનિલભાઈ કારાભાઈ નંદાણીયા નામના 26 વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય, જેથી પીધા બાદ ઘરના સભ્યો જોડે અવારનવાર ઝઘડા થતા હતા. આથી આવેશમાં આવીને તેણે કંટાળીને ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ મગફળીમાં નાખવાના ઝેરી ટીકડા ગળી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈ પરબતભાઈ પુંજાભાઈ નંદાણીયા (ઉ.વ. 48, રહે. ધતુરીયા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકા તાલુકાના વસઈ ગામે રહેતી નાથીબેન પેથાભાઈ રૂપાભાઈ ગરસર નામની 22 વર્ષની અપરિણીત યુવતી શુક્રવારે બપોરે બારેક વાગ્યે કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે કુવા પાસે ઊભીને ઉપરથી પાણી ભરતી હતી, તે દરમિયાન અચાનક પગ લપસી જતા તેણી કુવામાં ખાબકી હતી. જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ વિશાભાઈ વીરાભાઈ ગરસર (ઉ.વ. 24, રહે. વસઈ)એ કલ્યાણપુર પોલીસને કરી છે.