ભારતે સાઉથ આફ્રિકા સામે 9મી જુનથી શરૂ થનારી પાંચ ટી-20ની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં કે.એલ. રાહુલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આઇપીએલમાં રમીને થાકેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા,ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સ તરફથી શાનદાર દેખાવ કરનારા હાર્દિક પંડયાએ પુનરાગમન કર્યું છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે બાકી રહેલી એક ટેસ્ટ મેચ માટેની પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
સાઉથ આફ્રિકા સામે રમાનાર પાંચ ટી-20ની શ્રેણી માટે કેપ્ટન કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમમાં આઇપીએલમાં પ્રભાવ પાડનારા અર્ષદીપ સિંઘ અને ઉમરાન મલીકને પણ પહેલી વખત ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને સેમસનને પડતા મૂકવામાં આવ્યા છે. આઇપીએલમાં જોરદાર દેખાવ કરનારા યઝવેનદ્ર ચહલ અને કુલદી યાદવ તેમજ દિનેશ કાર્તિકનો પણ ટીમમાં સમાવેશ થયો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 મી જુને પ્રથમ ટી-20 રમાશે. જે પછી 12,14, 17 અને 19મીએ બાકીની ચાર ટી-20નું આયોજન થશે.
ભારતીય ટી-20 ટીમ
કે.એલ. રાહુલ (કેપ્ટન), ગાયકવાડ, કિશન (વિ.કી.), હૂડા, શ્રેયસ ઐયર, પંત (વાઈસ કેપ્ટન, વિ.કી.), દિનેશ કાર્તિક (વિ.કી.), હાર્દિક પંડયા, વેંકટેશ ઐયર, ચહલ, કુલદીપ, અક્ષર પટેલ, બિશ્નોઈ, બી.કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્ષદીપ સિંઘ, ઉમરાન મલિક.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં પુજારાનું પુનરાગમન
ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રનના ઢગલા ખડકનારા દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન થયું છે. ભારતીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમનારી એકમાત્ર ટેસ્ટ માટેની ટીમમાં પુજારાને સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારત 1લી જુલાઈથી એજબેસ્ટોનમાં ટેસ્ટ રમશે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે કોરોનાના ભયને કારણે ભારત ઈંગ્લેન્ડ પ્રવાસમાં શ્રેણીની આખરી ટેસ્ટ રમ્યું નહતુ. જે હવે જુલાઈમાં રમાશે.
ભારતીય ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), ગિલ, કોહલી, શ્રેયસ ઐયર, વિહારી, ચેતેશ્વર પુજારા, પંત (વિ.કી.), ભરત (વિ.કી.), જાડેજા, અશ્વિન, ઠાકુર, શમી, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ અને પી. ક્રિશ્ના.