ગુજરાતમાં તાજેતરમાં જ પેપર લીકને લઇને રાજ્ય સરકાર કાયદો બનાવવા જઇ રહી છે. આગામી બજેટ સત્રમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 બજેટ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે જ રાજ્ય સરકારે સરકારી ભરતી પરીક્ષા માટે નવી પદ્ધતિ બાબતે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં યોજાનાર તલાટીની પરીક્ષા નવી પદ્ધતિ પ્રમાણે લેવાઇ શકે છે
ડાયરેક્ટ પરીક્ષા દ્વારા સરકારી નોકરીને લઇને રાજ્યમાં અનેક પરીક્ષાના પેપર લીક થયા છે. પરીક્ષાનું પેપર લીક ના થાય તે માટે હવે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજવા માટે સરકાર વિચારણા કરી રહી છે. ઉમેદવારોની સંખ્યા વધતા નવી પદ્ધતિ બાબતે વિચારણઆ ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના પ્રમુખ ઈંઙજ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે જાન્યુઆરી 2022માં ફોર્મ ભર્યા હતા અને તેના 9 મહિના પછી ચૂંટણીની જાહેરાતના દિવસે જ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. 3 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી જાહેર થઇ તે જ દિવસે સવારે પંચાયત તલાટીની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ લેવાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. ચૂંટણી પૂર્ણ થતા જ પંચાયત સેવા પસંદગી મંડળે તલાટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે 23 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ચકાસણીના અંતે 17.20 લાખ ઉમેદવાર માન્ય ઠર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા આ પરીક્ષા યોજાઇ શકી નહતી. હવે નવી સરકાર બની ગયા પછી ફરીથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 એપ્રિલે તલાટીની લેખિત પરીક્ષા યોજાઇ શકે છે.