દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા આંબરડી ગામના તલાટી મંત્રી અને વેરાડમાં રહેતાં પ્રૌઢે ગુરૂવારે તેની ઓફિસમાં અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મોત નિપજ્યું હતું. તલાટી મંત્રીના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા અને શિવા આંબરડી ગામના તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા વિનોદભાઈ ખીમજીભાઈ અઘેરા (ઉ.વ. 55) નામના પ્રૌઢ ભાણવડથી આશરે દસ કિલોમીટર દૂર ત્રણ પાટીયા પાસે આવેલી તેમની ઓફિસે કોઈ અકળ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા બેશુદ્ધ થઈ ઢળી પડયા હતાં. આ અંગેની જાણ અશ્ર્વિનભાઈ માકડીયા દ્વારા ભાણવડ પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને તલાટી મંત્રીના આપઘાતથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતક તલાટી મંત્રીએ કયા કારણોસર જિંદગી ટૂંકાવી ? તે અંગેની તપાસ માટે પરિવારજનોના નિવેદનો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.