બીસીસીઆઈએ આગામી આઈસીસી ટી20 વિશ્વકપ 2021 માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. ટીમમાં અનુભવી લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલને 15 સભ્યની ટીમમાં જગ્યા મળી નથી. જ્યારે સીનિયર ઓફ સ્પિનર રવીચંદ્રન અશ્વિનની ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ચાર વર્ષ બાદ વાપસી થઈ છે. સ્ટેન્ડબાયના રૂપમાં શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરને રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈ સચિવ જય શાહના કહેવા પ્રમાણે ભારતનો પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટી20 વિશ્વકપ માટે ટીમનો મેન્ટોર છે અને ટીમનું માર્ગદર્શન કરશે.
આઈસીસીએ અંતિમ 15 ખેલાડીના નામ આપવાની અંતિમ તારીખ 10 ઓક્ટોબર નક્કી કરી છે. આ વખતે કોરોનાના કારણે આઈસીસીએ સાત વધારાના સભ્ય રાખવાની મંજુરી આપી છે.
સપોર્ટ સ્ટાફ મળીને કુલ 30 સભ્યોને સામેલ કરી શકાશે. વધારાના સભ્યોનો ખર્ચ બોર્ડે વહન કરવાનો રહેશે. 15 સભ્યો ઉપરાંત કોઈપણ સભ્ય કે જે બાયોબબલમાં હશે તે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે.
2016 બાદ પહેલી વખત થઈ રહેલા ટી20 વિશ્વકપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને યુએઈમાં થશે. આઠ દેશોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટને 23 સપ્ટેમ્બરથી રમવામાં આવશે. જેમાં શ્રીલંકા, બંગલાદેશ અને આયર્લેન્ડની ટીમ સામેલ છે. 8 ટીમમાંથી 4 સુપર 12 તબક્કા માટે ક્વોલિફાઈ કરશે.
ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરથી કરશે. કોહલી એન્ડ કંપનીનો પહેલો મેચ ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે છે. વિશ્વકપમાં ભારતને પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે સુપર 12ના ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે.
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવીચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય: શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર