સ્વિડનની ટ્રક અને બસ ઉત્પાદક કંપની સ્કેનિયાએ વર્ષ 2013-2016 વચ્ચે 7 અલગ અલગ રાજ્યોમાં બસના કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ ચૂકવી હોવાનો દાવો સ્વિડિશ ન્યૂઝ ચેનલ એસવીટી સહિત 3 મીડિયા સંગઠનો દ્વારા કરાયો છે. ફોક્સવેગન એજીની કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી ટ્રેટોન એસઇ અંતર્ગત કામ કરતા યુનિટે વર્ષ 2007માં ભારતમાં ઓપરેશન શરૂ કર્યાં હતાં અને વર્ષ 2011માં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી હતી. સ્કેનિયા કંપની દ્વારા વર્ષ 2017માં તપાસ શરૂ કરાઇ હતી જેમાં સિનિયર મેનેજમેન્ટ સહિતના કર્મચારીઓ દ્વારા આચરાયેલી ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં કથિત લાંચ, બિઝનેસ પાર્ટનર દ્વારા લાંચ અને ખોટી રજૂઆતોનો સમાવેશ થાય છે. સ્કેનિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ત્યારથી કંપનીએ ભારતમાં બસનું વેચાણ બંધ કરી દીધું હતું અને ભારત ખાતે શરૂ કરાયેલી ફેક્ટરી પણ બંધ કરી દેવાઇ હતી. સીઇઓ હેનરિક હેનરિકસને જણાવ્યું હતું કે, અમે ભારતમાં બસોનું ઉત્પાદન કરવા માગતા હતા પરંતુ ત્યાં રહેલાં જોખમોને પારખી શક્યાં નહીં. ભારતમાં જે લોકોએ ગેરરીતિ આચરી છે તેઓ અત્યારે કંપની છોડીને ચાલ્યા ગયા છે. તેમાં સંકળાયેલા તમામ બિઝનેસ પાર્ટનરોએ તેમના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા છે.
એસવીટીના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે એક ‘અજાણ્યા’ ભારતીય મંત્રીને પણ લાંચ ચૂકવવામાં આવી હતી. રિપોર્ટમાં આરોપ મુકાયો છે કે ભારતની એક માઇનિંગ કંપની સાથેના 11.8 મિલિયન ડોલરના સોદામાં સ્કેનિયાએ ટ્રકના ચેસીસ નંબર અને લાઇસન્સ પ્લેટ બદલી નાખીને ટ્રકના મોડેલોમાં બદલાવ કરી દીધો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આ તપાસમાં પોલીસને સાંકળી નથી. કંપનીના બિઝનેસ કોડના ઉલ્લંઘન અંગેના પૂરતા પુરાવા મળ્યા પછી પગલાં લેવાશે. કોર્ટમાં કેસ ચલાવી શકાય તેટલા સજ્જડ પુરાવા મળ્યા નથી.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની કચેરીએ બુધવારે સ્કેનિયા લક્ઝરી બસ અંગેના આરોપોને નકારી કાઢયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, નીતિન ગડકરી અથવા તો તેમના પરિવારના કોઇ સભ્યને બસની ખરીદી કે વેચાણ સાથે કોઇ લેવાદેવા નથી. સ્કેનિયાની બસની ખરીદી કે વેચાણ કરનારી કંપની કે વ્યક્તિ સાથે પણ તેમને કોઇ લેવાદેવા નથી. એવા આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે સ્કેનિયા કંપનીએ નીતિન ગડકરીના પુત્રો સાથે ગાઢ સંબંધ ધરાવતી કંપનીને લક્ઝરી બસો પૂરી પાડી હતી. આ આરોપો ઉપજાવી કાઢેલા, બદઇરાદાપૂર્વકના અને પાયાવિહોણા છે. ગડકરીની પુત્રીના લગ્નમાં સ્કેનિયાની કોઇ બસ વપરાઇ નહોતી કે તેના માટે નાણા ચૂકવાયાં નથી તેવા આરોપો મીડિયાની કલ્પના છે. મીડિયાએ સ્કેનિયા ઇન્ડિયાના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના ગડકરીના અભિયાન અંતર્ગત નાગપુરમાં સ્કેનિયાની ઇથેનોલ સંચાલિત બસો સામેલ કરાઇ હતી. આરોપ છે કે ગડકરીએ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા દબાણ કર્યું હતું જેના પગલે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કેનિયા સાથે કોમર્શિયલ એમઓયુ કર્યા હતા અને નાગપુરમાં સ્કેનિયાની બસો દોડતી થઇ હતી.