જામનગર નજીકના સુમરી ગામે ચાલી રહેલાં સુઝલોન કંપનીના પવનચકકીના કામ માટે વિશાળકાય પવનચકકીના પાર્ટસ લઇને જઇ રહેલાં ટ્રકે કોંઝા ગામ નજીક વીજ કંપનીના બે વીજપોલને નુકસાન પહોંચાડયું હતું. જેને કારણે વીજપોલ અને વાયર તૂટી પડતાં કોંઝા ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. સુમરી ગામે પવનચકકીને કામ કરવા સામે સ્ટે હોવા છતાં કંપની દ્વારા વિશાળકાય સામાન લઇ જવામાં આવતો હતો. તેને કારણે ગઇરાત્રે આ વીજપોલને નુકસાન થયું હતું. વીજ કંપનીની લાપરવાહી અને બેદરકારીને કારણે અંધારપટ સર્જાતા ગ્રામજનોમાં કંપની સામે રોષની લાગણી પ્રસરી છે. તેમજ આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. આ અકસ્માતને પગલે વીજકંપનીને અધિકારીઓ પણ દોડી ગયા હતા અને મરામતની કામગીરી હાથ ધરી હતી.