સુરત શહેર અને જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. રવિવારે સાંજે 6:00થી સોમવાર સવારે 6:00 વાગ્યાના 12 કલાકમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. રાતભર મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરી કરી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઇકાલ સવારથી જ મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, તાલુકામાં પણ નદીનાળાં છલકાયાં હતાં. શહેરમાં મેયર હેમાલી બોઘાવાલાએ રાતે 1 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં મોસમનો પ્રથમ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં રવિવાર સવારથી સોમવાર સવાર સુધીમાં પ થી 9 ઇંચ સુધી વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા.