સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી.સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. સુપ્રીમકોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતાં અગાઉનો પાંચ જજોની બેન્ચનો ચુકાદો પલટી નાખ્યો હતો. ખરેખર સુપ્રીમકોર્ટે 1998માં નરસિમ્હારાવના ચુકાદાને પલટી નાખ્યો હતો. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
સીજેઆઇએ કહ્યું- જો કોઈ લાંચ લે છે તો કેસ થાય છે. તેણે વોટ આપ્યો કે પછી ભાષણ આપ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે સાંસદ લાંચ લે છે ત્યારે જ આરોપ લાગે છે. અમારું માનવું છે કે લાંચ લેવાની બાબતને સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય નહીં.સીજેઆઇએ કહ્યું- જો કોઈ સાંસદ ભ્રષ્ટાચાર અને લાંચ લે છે તો આ બાબતો ભારતની સંસદીય લોકશાહીને બરબાદ કરશે. કલમ 105/194 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારોનો હેતુ સાંસદો માટે ગૃહમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાનો છે. જો કોઈ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે નોટ (લાંચ) લેશે તો તેને પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટનો સામનો કરવો પડશે.કેન્દ્ર સરકારની દલીલ – લાંચના કેસમાં કાર્યવાહીથી છૂટનો વિષય નથી ઑક્ટોબરમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે લાંચ ક્યારેય પણ કાર્યવાહીથી છૂટનો વિષય ન હોઈ શકે. સંસદીય વિશેષાધિકારનો અર્થ કોઈપણ સાંસદ કે ધારાસભ્યને કાયદાથી બહાર રાખવાનો નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંસદમાં અપમાનજનક નિવેદનો આપવાને ગુનો ગણવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી છૂટ આપવામાં ન આવે જેથી કરીને ગુનાહિત ષડયંત્ર હેઠળ આવું કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની અંદર કંઈપણ બોલવા પર સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં.