સુપ્રીમ કોર્ટમાં થતી વિવિધ કેસોની સુનાવણીનું લાઇવ પ્રસારણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે લાઇવ સ્ટ્રીમિંગ (પ્રસારણ) માટે પોતાનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. જેના માધ્યમથી સુનાવણી દરમિયાન થતી દલિલો અને ચુકાદા તેમજ ન્યાયાધીશો દ્વારા થતા અવલોકન લાઇવ જોઇ શકાશે. હાલ પ્રાથમિક તબક્કામાં આ માટે યૂટયૂબનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ દરમિયાન ભાજપના નેતા કે એન ગોવિંદાચાર્યના વકીલે દલીલ કરી હતી કે યૂટયૂબ જેવા ખાનગી પ્લેટફોર્મને સુપ્રીમ કોર્ટે પોતાના કોપીરાઇટ ન આપવા જોઇએ. જે બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂ યૂ લલિતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પોતાનું વ્યક્તિગત પ્લેટફોર્મ લોન્ચ કરશે. વકીલે દાવો કર્યો હતો કે યૂટયૂબે વેબકાસ્ટ માટે કોપીરાઇટની માગણી કરી છે. જેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ પ્રાથમિક તબક્કો છે. ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટનું પોતાનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવશે. જે બાદ સુપ્રીમ કોર્ટે ગોવિંદાચાર્યની અરજીની વધુ સુનાવણી 17મી ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટ પ્રાથમિક તબક્કામાં સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ યૂટયૂબના માધ્યમથી હાલ કરશે, જેને લોકો મોબાઇલ પર પણ નિહાળી શકશે. જોકે અગાઉ પણ સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થઇ ચુક્યું છે. 26મી ઓગસ્ટના રોજ પ્રથમ વખત આ સ્ટ્રીમિંગ કરાયું હતું. કેમ કે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણનો સુપ્રીમ કોર્ટમાં અંતિમ દિવસ હતો. જોકે હવે રેગ્યૂલર સ્ટ્રીમિંગ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે.