દેશના લાખો કરદાતાઓ માટે સાવધાની અને હાલ જેઓને આવકવેરા વિભાગ દ્વારા તા.31 માર્ચ 2021 બાદ તેમના અગાઉના છ વર્ષના સમયગાળા માટેના રી-એસેસમેન્ટની નોટીસો મળી છે તેઓ માટે એક આચકામાં સુપ્રીમ કોર્ટે જૂના રી-એસેસમેન્ટ માટે 31 માર્ચ 2021 પછી જે નોટીસો આવકવેરા ખાતાએ મોકલી છે તેને માન્ય રાખી છે અને સાથોસાથ આ નોટીસ મેળવનાર કરદાતાને રજુઆતની એક તક આપવા પણ આદેશ આપ્યા છે.
સર્વોચ્ચ અદાલતે એ સ્પષ્ટ કર્યુ હતું કે આવકવેરા કાનૂનની જુની જોગવાઈ હેઠળ જે નોટીસ કરદાતાને રી-એસેસમેન્ટ માટે ઈસ્યુ કરી છે તે માર્ચ 2021 બાદ જે નવી જોગવાઈ કરવામાં આવી છે તેના મારમાં આ જુની નોટીસો અમાન્ય ગણી શકાય નહી. નાણા મંત્રાલયે તા.1 એપ્રિલ 2021ની અસરથી આવકવેરાના કાનૂનમાં રીએસેસમેન્ટની જોગવાઈમાં ફેરફાર કર્યો હતો અને અગાઉ જે છ વર્ષ પુર્વે સુધીના રી-એસેસમેન્ટ થઈ શકતા હતા તે બદલીને ત્રણ વર્ષના કરવાનો નિયમ અમલી બનાવ્યો હતો. આ પગલું કરદાતા અને આવકવેરા વિભાગ બન્નેના કામકાજની સરળતા માટે મહત્વનો હતો. પરંતુ 1 એપ્રિલ 2021ના આ નવી જોગવાઈ અમલી બન્યા બાદ પણ આવકવેરા વિભાગે તા.1 એપ્રિલ 2021 થી 30 જૂન 2021ના સમયગાળામાં 90000 થી વધુ કરદાતાઓને તેના જૂના (છ વર્ષ સુધીના) રીટર્નના રી-એસેસમેન્ટ નોટીસ મોકલી હતી.