ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત જાસૂસીની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપરની સુનાવણીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને એક મોટી રાહત મળી હતી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને આ મામલે જાહેર ચર્ચા માટે અસમર્થતા દેખાડી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને સરકારનો જવાબ માગ્યો છે અને 10 દિવસ માટે સુનાવણી મુલત્વી રાખી દીધી હતી. જો કે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષામાં બાંધછોડ થાય તેવા મુદ્દાનો ખુલાસો નહીં કરવા માટે કેન્દ્ર સરકારને સુપ્રીમે છૂટ પણ આપી છે.
સરકાર દ્વારા સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે, સોગંદનામામાં બધી જ વિગતો આપી શકાય તેમ નથી, કારણ કે આ રાષ્ટ્રીય સલામતીનો વિષય છે. જેને પગલે અદાલતે કહ્યું હતું કે, સોગંદનામા અંદર મર્યાદિત વાતો જ છે. અદાલત વિસ્તૃત જવાબની અપેક્ષા રાખતી હતી પણ એવું થયું નથી. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, હવે આ બાબતે 10 દિવસ બાદ સુનાવણી કરવામાં આવશે અને આગળ શું પ્રક્રિયા હાથ ધરવી તેનો વિચાર કરવામાં આવશે.
પેગાસસ જાસૂસીકાંડમાં સરકારનાં સોગંદનામા સામે સુપ્રીમ કોર્ટે અસંતોષ દેખાડયા બાદ અરજદારોના પક્ષેથી કોર્ટમાં પેશ થયેલા કપિલ સિબલે કહ્યું હતું કે, અમારે રાષ્ટ્રીય સુરાક્ષા સંબંધિત કોઈ જાણકારી નથી જોઈતી. અમારો સવાલ માત્ર એટલો જ છે કે સરકારે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો કે નહીં ? આનો જવાબ અમારે જોઈએ છે.
જેને પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ સોફ્ટવેર તો બધા દેશો ખરીદે છે. અરજદારો આ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો કે નહીં તેની સ્પષ્ટતા માગે છે પણ જો સરકાર તેનો ખુલાસો કરે તો આતંકીઓ તેનાથી બચવા માટેની યુક્તિઓ કરી શકે છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે અને સરકાર અદાલતથી કંઈ છૂપાવી શકતી નથી. આ મામલાને એક સમિતિ સમક્ષ રાખવો જોઈએ કારણ કે આ જનતા વચ્ચે ચર્ચાનો વિષય નથી.
કોર્ટે કહ્યું હતું કે, અમે માગેલી જાણકારી પણ વિશેષજ્ઞ સમિતિને આપી શકાય છે અને તે એક નિષ્પક્ષ સંસ્થા હશે. શું એક બંધારણીય ન્યાયાલય તરીકે તમે આશા રાખો છો કે આવા મુદ્દો અદાલત સમક્ષ ખોલવામાં આવે અને જનતામાં તેની ચર્ચા થાય ? સમિતિ પોતાનો અહેવાલ કોર્ટ સમક્ષ રાખશે પણ અમે કોઈપણ મામલાને સનસનીખેજ કેવી રીતે બનાવી શકીએ. દેશની સુરક્ષા માટે જોખમી કોઈપણ ખુલાસા અદાલતમાં થશે નહીં.