સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર સરકારની આકરી ટિકા કરી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ દ્વારા સરકારના આરટીઆઇ(સુધારા) એકટ 2019ને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. જે અનુસંધાને કેન્દ્ર સરકારે પોતાનો જવાબ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવાનો હતો. પરંતુ સરકારે નિયત સમય મર્યાદામાં જવાબ દાખલ ન કરતાં સુપ્રિમ કોર્ટે અદાલતમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિને ઠપકો આપ્યો છે.
કેન્દ્ર સરકારે અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલાં આરટીઆઇ એકટમાં 2019ની સાલમાં સુધારો કર્યો છે. સરકારે એવો સુધારો કર્યો છે કે, માહિતી આયોગના કમિશ્ર્નરોના વેતન-ભથ્થા અને તેનો કાર્યકાળ કેન્દ્ર સરકાર નકકી કરી શકે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ દ્વારા આ સુધારાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સાંસદે આ સુધારાની બંધારણીય કાયદેસરતાને પડકારી છે.
ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ એમ.આર. શાહની બેન્ચ દ્વારા કેન્દ્ર સરકાર વતી હાજર રહેલાં કાઉન્સેલને ઠપકો આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે,સુપ્રિમ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા એક વર્ષ અગાઉ નોટીસ આપી હતી. પરંતુ સરકારે સુપ્રિમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો નથી. ન્યાયમૂર્તિઓએ સરકારના કાઉન્સેલને કહ્યું કે, આ મેટરમાં એક વર્ષ અગાઉ નોટીસ આપવામાં આવી છે. સરકારે અત્યાર સુધી શું કર્યુ? સરકારને શી તકલીફ છે? આ અગત્યની મેટર છે. જોકે, ઠપકા પછી સુપ્રિમ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા વધુ 15 દિવસનો સમય આપ્યો છે.