જામનગર શહેર અને જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરી અને લૂંટના અડધો ડઝનથી વધુ ગુનાઓમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી બેડી બંદર રોડ પર અર્ટીગા કારમાંથી ત્રણ સાગરિતોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.13.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ગેંગમાં વધુ એક ડઝન સાગરિતો હોવાની અને જામનગર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 28 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા સાંપડી હતી.
ડીટેકશન અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરી અને લૂંટના બનાવોમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની જાણના આધારે એલસીબીના પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફના વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર અને કલ્પેશભાઈ મૈયડને મળેલી બાતમી તથા ટેકનિકલ સેલના નિર્મળસિંહ જાડેજા અને બલવંતસિંહ પરમારના હ્યુમન રીસોર્સ દ્વારા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બેડી બંદર રોડ પર મહાકાલી સર્કલ નજીક કાળા કલરની નંબર વગરની બાતમી મુજબની અર્ટીગા કાર મળી આવતા એલસીબીની ટીમે કારની તલાસી લેતા તેમાંથી રાજુ ઉર્ફે ગુડિયા સુમલ પંચાલ (ઉ.વ.23), દિપક સુમલ પંચાલ (ઉ.વ.19), પ્રભુ જવલસીંગ બધેલ (ઉ.વ.20) (રહે. ધોટીયાદેવ તા. કુક્ષી, જી. ધાર, મધ્યપ્રદેશ) નામના ત્રણ તસ્કરોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.12 લાખની કિંમતની નંબર વગરની કાર અને રૂા.1,06,000 ની રોકડ રકમ તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 13,16,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ તસ્કર ત્રિપુટીની સાથે અન્ય એક ડઝન સાગરિતો સહિત 15 શખ્સોની આંતર રાજ્ય ગેંગ દ્વારા જામનગરના રણજીતસાગર વિસ્તારમાં, આ રોડ પર આશિર્વાદ સોસાયટીના બંધ મકાનના તાળા તોડી માલમતાની ચોરી અને રણજીતસાગર રોડ પર મારૂતિ રેસીડેન્સીમાંથી જીજે-10-ડીબી-9032 નંબરની બાઈક તથા શ્રીનાથજી પાર્કમાઁથી જીજે-10-ડીએફ-9701 નંબરની બાઈકની ચોરી કરી હતી.
ઉપરાંત લાખાબાવળમાં ધાનિશ બંગલામાં મકાન માલિક ઉપર હુમલો કરી રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉપરાંત કાલાવડના નિકાવા ગામમાં પાન-મસાલાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી તેમજ જામનગર જીઆઈડીસી સ્વામિનારાયણ ટાઉનશીપમાં બંધ મકાનના તાળા તોડી રોકડ રકમ અને દાગીનાની ચોરી તથા સીક્કા ટીપીએસ કોલોનીમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી ઉપરાંત એરફોર્સ સ્ટેશનની દિવાલ ટપી બંધ મકાનના તાળા તોડી દાગીના, રોકડ અને લેપટોપ સહિતની ચોરી આચરી હતી. આમ આ આંતરરાજ્ય ગેંગે જામનગર શહેર-જિલ્લામાં નવ સ્થળોએ ચોરી-લૂઁટ કરી હોવાની કેફિયત આપી હતી. તેમજ કચ્છના વાયરામાં તથા ભૂજમાં ઘરફોડ ચોરી અને ભૂજના પ્રાગપર, માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રદયુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી આચરી હતી.
તેમજ ધાર જિલ્લાના બાધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે લૂંટ, ધાડ સહિતના પાંચ ગુનાઓ આચર્યા હતાં અને દ્વારકા જિલ્લાના વાડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી આચરી હતી. ઉપરાંત ઈન્દોરના ચંદનગર અને છત્રીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અપહરણ કર્યા હતાં. ઉપરાંત રાજકોટના ગાંધીગ્રામમાંથી ચોરી આચરી હતી તથા કચ્છના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ચોરી કરી હતી. તેમજ ગંધવાની પોલીસ સ્ટેશનમાં પણ આ આંતરરાજ્ય ગેંગ વિરૂધ્ધ એક ગુનો નોંધાયેલો છે.
આ આંતરરાજ્ય ગેંગના 15 સાગરિતો દ્વારા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન બંધ મકાનના તાળા ડીસમીશ, ગણેશીયા, હથોડી, પકડ-પાના જેવા હથિયારો વડે તાળા તોડીને અંદાજે 40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને 7 લાખ રૂપિયાની રોકડ તેમજ બાઇક-લેપટોપ મળી 3 લાખની લૂંટ તથા ચોરીઓના ગુનામાં કુલ રૂા.50 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ આંતરરાજ્ય ગેંગમાં ઝડપાયેલા ત્રણ શખ્સોની સાથે સંજય ભવરસિંગ પંચાલ, અનિલ ગુમાન મકવાણા, રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી, સુખરામ, દિનેશ અલાવા, જીતેન્દ્ર, સંતોષ, રાહુલ સજન બધેલ, વિશાલ મંડલોઇ, પ્રદિપ, રાજુ ઉર્ફે કેકડે મંડુ બધેલ અને લાલુ ઉર્ફે લાલસીંગ ઈન્દ્રસીંગ મંડલોઇ નામના 12 શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું.
અગાઉના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે ધારના બાધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ અને દુષ્કર્મનો તથા કુક્ષી, ધરમપુરી, બખતરગઢ, જોબટમાં એક-એક ગુનાઓ નોંધાયેલા છે તેમજ બાધમાં લૂંટ અને ધાડ તથા હત્યાનો પ્રયાસ અને એક હત્યા પિસ્તોલ સાથેનો ગુનો નોંધાયેલો છે. એલસીબીએ જામનગર શહેર અને જિલ્લામાં થયેલી 9 ઘરફોડ ચોરી અને લૂંટની તથા વાહનચોરીના બનાવમાં ત્રણ શખ્સોને દબોચી લઇ રિમાન્ડ મેળવવા અને અન્ય 12 સાગરિતોની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી હતી.