Monday, December 23, 2024
Homeરાજ્યરાજ્ય વિકાસ કમિશનર દ્વારા હડિયાણા ગ્રામપંચાયતને સુપરસીડ કરાઇ

રાજ્ય વિકાસ કમિશનર દ્વારા હડિયાણા ગ્રામપંચાયતને સુપરસીડ કરાઇ

ત્રણ વખત બજેટ રજૂ કરાયા બાદ નામંજૂર થતા આકરી કાર્યવાહી

- Advertisement -

હડિયાણા ગ્રામ પંચાયતનું વર્ષ 2022-23 નું સામાન્ય બજેટ ત્રણ વખત રજૂ થવા છતાં નામંજૂર થયું હતું. જેને લઇ ગ્રામપંચાયત વિકાસ કમિશનર દ્વારા હડિયાણા ગ્રામ પંચાયતની સમગ્ર બોડીનું વિસર્જન કરવામાં આવ્યું છે. હડિયાણા ગ્રામ પંચાયત સુપર સીડ થતા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના હડિયાણા ગ્રામપંચાયતમાં વાર્ષિક બજેટ મંજૂર ન થતા રાજ્યના વિકાસ કમિશનર દ્વારા સુનાવણી દરમિયાન પંચાયતને સમાધાનની તક આપી હતી તે પછી પણ સભ્યમાં એક મત ન થતા આ પંચાયતનું વિસર્જન કરી વહીવટદારને સત્તા સોંપી છે. જેમાં વહીવટદાર તરીકે જોડિયા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જી.પી. ગઢીયાને જવાબદારી સોંપવામાં આવી છે. હડિયાણા ગ્રામ પંચાયતની સ્થાપના વર્ષ 1956 માં કરવામાં આવી હતી. વર્ષ 2021 સુધીમાં 20 સરપંચો નિમાયા હતાં. જેમાં વર્ષ 2022 ના નવા સરપંચને સૌપ્રથમ વખત ગ્રામપંચાયતના સરપંચ અને તમામ સભ્યોને હોદ્દા ઉપરથી રદ્દ કરવામાં આવ્યા છે. વર્ષ 1956 થી 2022 સુધીના 66 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત હડિયાણા ગ્રામ પંચાયત સુપરસીડ કરાતા વિસર્જનનો ઈતિહાસ રચાયો છે.

જોડિયા તાલુકા ભાજપાના મહામંત્રી અને હાલમાં જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ જયસુખભાઇ પરમારને સરપંચ પદેથી અને પંચાયતની આખી બોડીને તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરાયા છે. તેમના પત્ની કુસુુમબેન પરમાર વર્ષ 2017-2022 સુધી મહિલા સરપંચ તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમાં પંચાયત કચેરી ખાતે ફકતને ફકત તેના પતિ દ્વારા જ કારભાર ચલાવવામાં આવતો હતો તેમજ ઉપસરપંચમાં પણ કંચનબેન નંદાસણાની વરણી કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ તેના પતિ જ તમામ પ્રકારના નિર્ણય લેતા હતાં.

- Advertisement -

વર્ષ 2022-23 ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવાનું હોય ત્રણ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હોવા છતાં 6:5 સાથે બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. ત્રણ વખત બજેટ નામંજૂર થતાં ગ્રામપંચાયત વિકાસ કમિશનર દ્વારા ગત તા.28/06/2022 ના રોજ હડિયાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતાં તેમજ તા.12/7/2022 ના રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સમાં પણ બોલાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તા.14 સપ્ટેમ્બરના રોજ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાના લેખિત ઓર્ડર આપવામાં આવ્યાં હતાં.

જયસુખભાઈ પરમાર દ્વારા ગત વર્ષે તા.21/06/2021 ના રોજ ગામમાંથી 13 અબોલ ખુટીયાને ટ્રક મારફતે કતલખાને મોકલવામાં આવ્યાં હતાં. આ ટ્રકને સોયલ ટોલનાકા પાસે ધ્રોલ પોલીસ દ્વારા રોકી ટ્રકચાલક અને હડિયાણા ગામના મહિલા સરપંચના પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેમ છતાં તેમની વિરૂધ્ધ હજુ સુધી કોઇપણ પગલાં લેવામાં આવ્યાં નથી. હડિયાણા ગામે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ પણ હાલના સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી છે તેમજ ગામની સ્ટ્રીટલાઈટ, મૃત પશુના નિકાલની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેના પરિણામે રોગચાળો વકરી રહ્યો છે. સાત મહિના પૂર્વે સફાઈ કામગીરી માટે નવું ટ્રેકટર ખરીદવામાં આવ્યું છે. આમ છતાં તેનો સરપંચના ઘરમાંથી બહાર કઢાયું નથી. આમ પોતાના અંગત ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોઇ અરજદાર ગ્રામપંચાયતમાં કોઇ કામ માટે રજૂઆત કરવા જાય તો ઉપર રજૂઆત કરો અહીં આવવું નહીં તેવું જણાવવામાં આવે છે. ત્યારે રાજ્ય વિકાસ કમિશનર દ્વારા હડિયાણા ગ્રામ પંચાયતને સુપરસીડ કરવામાં આવતાં ગ્રામજનોમાં ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular