જામનગર શહેરના પુનિતનગર-2 વિસ્તારમાં રહેતાં યુવકે રવિવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતાં યુવાને ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પુનિતનગર-2 વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા બાલુભા વજેસીંગ પરમાર નામના યુવાનનો પુત્ર લક્કીરાજસિંહ બાલુભા પરમાર નામના યુવકે રવિવારે સાંજના સમયે તેના ઘરે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ધરારનગર-2 વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિર પાસે રહેતાં રમેશભાઈ ભીખાભાઈ શિયાર (ઉ.વ.45) નામના યુવાને ગુરૂવારે તા.6 ના રોજ રાત્રીના સમયે તેના ઘરે કોઇ કારણસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મનિષ શિયાર દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.