જામનગર શહેરમાં મોહનનગર આવાસમાં રહેતા યુવાને છેલ્લાં ત્રણ માસથી મજૂરી કામ મળતુ ન હોવાથી બેકારીના કારણે જિંદગીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં પાણાખાણમાં રહેતી મહિલાને સંતાન ન હોય તેનું મનમાં લાગી આવતાં તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.
પ્રથમ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્ર્વર કોલોની ભવાની મંદિર પાસે આવેલા મોહનનગર આવાસમાં રહેતાં મહેશ સવજીભાઈ શિયાળ (ઉ.વ.28) નામના મજૂરીકામ કરતા યુવાનને છેલ્લાં ત્રણ માસથી મજૂરીકામ મળતું ન હતું અને જેને કારણે બેકારીથી ગુમસુમ રહેતો હતો. બેકારીના કારણે જિંદગીથી કંટાળી જઈ રવિવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેશુદ્ધ હાલતમાં યુવાનને હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા સવજીભાઈ શિયાળ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં પાણાખાણ શેરી નં.10 માં રહેતાં કૈલાશબા રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.44) નામના મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન સંતાન ન હોય તેનું મનમાં લાગી આવતાં રવિવારે બપોરે તેના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા જાણ કરતાં હેકો.એમ.એમ.જાડેજા તથા સ્ટાફે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.