દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ ખાતે રહેતી વીસ વર્ષની એક યુવતી સાથે સંબંધ કેળવી, મૂળ કોડીનારના અને હાલ આરંભડા ખાતે રહેતા એક યુવાન દ્વારા વિવિધ પ્રકારે ધમકી આપી, માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેણીએ કેરોસીન છાટી, દીવાસળી ચાંપી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવતીના ભાઈએ આરોપી શખ્સ સામે પોતાની બહેનને મરી જવા માટે મજબૂર કર્યાની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતી શીતલબેન કાયાભાઈ બેચરભાઈ લઘા નામની આશરે 20 વર્ષની અનુ. જાતિની એક યુવતીએ ગત તારીખ 8 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથેથી શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ બનતા મૃતક યુવતીના નાનાભાઈ ઉમેશભાઈ કાયાભાઈ લધા (ઉ.વ. 19, રહે. આરંભડા સીમ) દ્વારા મૂળ કોડીનારના અને હાલ આ જ વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતાં ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમા નામના શખ્સ સામે સ્થાનિક પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ મૃતક શીતલબેનને આરોપી ગોપાલ ઉર્ફે સુમિત ચુડાસમા સાથે છેલ્લા આશરે એકાદ વર્ષથી રિલેશનશિપ હોય આ દરમિયાન ગોપાલ ઉર્ફે સુમિત દ્વારા શીતલબેનને રિલેશનશીપની કોઇને જાણ ન કરવા અંગે ધમકી આપવામાં આવતી હતી. જો તેણી કોઈને આ અંગે જાણ કરશે તો તે તેના ભાઈને મારી નાખશે અને બદનામ કરશે તેમ વધુમાં જણાવાયું છે. આમ, ગોપાલ ઉર્ફે સુમિત ચુડાસમાની ધમકી તથા માનસિક ત્રાસ ઉપરાંત યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેને આ બાબતથી કંટાળીને પોતાના હાથે પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતાં તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે જે- તે સમયે સ્થાનિક પોલીસમાં જરૂરી નોંધ થયા બાદ પોલીસ દ્વારા ઉપરોક્ત યુવતીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલના બિછાને જ યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આમ, યુવતીના ડાઇંગ ડેક્લેરેશન (મરણોન્મુખ નિવેદન) ના આધારે યુવતીના ભાઈ ઉમેશભાઈ લધાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમા સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી, સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવી સાથે મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા જરૂરી કાર્યવાહી કરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.