જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના પતિએ થોડા દિવસ પછી માતા-પિતાના ઘરે જવાનું કહેતાં મનમાં લાગી આવતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં યુવાનને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન સામે ચાચુના ગેરેજ પાછળના વિસ્તારમાં રહેતી રૂખશારબેગમ મહમ્મદકાશીમ અંસારી (ઉ.વ.27) નામની યુવતીને તેણીના માતા-પિતાના ઘરે રોકાવા જવું હતું પરંતુ તેણીના પતિએ થોડા દિવસ પછી જવાનું કહેતા આ બાબતનું મનમાં લાગી આવતા ગુરૂવારે રાત્રિન સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેના ઘરના બાથરૂમમાં જઈ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મહમ્મદ કાસીમ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.સી. નંદા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા ક્રિષ્ના કોમ્પલેક્ષના રૂમ નં.1માં રહેતાં અને મૂડ બિહાર રાજ્યના દરબંગા જિલ્લાના તહેરીયાસરાયના વતની અભિષેક કુમાર મુકેશકુમાર (ઉ.વ.30) નામના યુવાનને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણસર શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કાવ્યરાસન મુરગન નામના યુવાન દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.