જામનગર તાલુકાના હાપા ગામના પાટીયા પાસે આવેલી હોટલ નજીક એક યુવાને કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોડિયા ગામમાં રહેતાં યુવાનની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ઘરની બહાર પડી જતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના બીરવાવ ગામમાં રહેતો સંજય બાબુભાઈ માલા (ઉ.વ.25) નામનો યુવાન ગત તા.4 ના રોજ સોમવારે જામનગર તાલુકાના હાપા ગામના પાટીયા પાસે આવેલી હોટલ નજીક કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હેકો એચ.બી. પાંડવ દ્વારા જાણ કરાતા ગોપાલભાઈ રાતડિયાનું નિવેદન નોંધી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતા કલ્પેશગીરી મહેન્દ્રગીરી ગોસાઈ નામનો આધેડ બુધવારે સવારના સમયે નાઈટ ડયુટીમાંથી ઘરે પરત આવતો હતો ત્યારે ઘરની બહાર જ એકાએક પડી જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની રાજેશ્રીબેન દ્વારા જાણ કરાતા હેકો બી.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જોડિયા ગામમાં આવેલી ભગત શેરીમાં રહેતાં અને મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામના વતન દિલીપભાઈ કેશવજીભાઈ જાદવ (ઉ.વ.44) નામના યુવાનની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ હરેશ દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાટીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.