જામનગરના દરેડમાં યુવાને પિત્તની બિમારીથી કંટાળી જઇ કપડા સુકવવાની દોરી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. કાલાવડના જીવાપર રોડ પાસે યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જામનગર જિલ્લાના મોડા ગામે જીઇબીનું મિટર ફિટ કરી રહેલા યુવાનને શોક લાગતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
જામનગરના દરેડ ગામે પટેલ શેરી રામ મંદિરની સામેની ગલીમાં રહેતા વિજયભાઇ લાલદાસભાઇ દાણીધારીયા (ઉ.વ.36) નામના યુવાનને પિત્તની બિમારી હોય આ બિમારીથી કંટાળી તા. 28ના રોજ સવારના સમયે પોતાના ઘરે લાકડાના હુંકમાં કપડા સૂકવવાની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે 108ના ફરજ પરના તબીબોએ પહોંચી તપાસ કરતાં મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે સાગરભાઇ દાણીધારીયા દ્વારા પોલીસને જાણ કરાતાં એએસઆઇ પી.બી. ગોજીયા તથા સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ, પાણીના સમ્પ પાસે રહેતા વિક્રમભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.23) નામના યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હોય, તા. 28ના રોજ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પિતા રમેશભાઇ મકવાણા દ્વારા જાણ કરાતાં હેકો જે.એચ. પાગડાર તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ જામનગર જિલ્લાના મોડા ગામે સુલેમાન ઇબ્રાહીમ મિયાણા (ઉ.વ.36) નામનો યુવાન કોન્ટ્રાકટર સાથે જીઇબીનું મિટર ફિટ કરવા ગયો હોય, આ દરમિયાન ઇલેકટ્રીકટ થાંભલા ઉપર શોક લાગતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે હુશેનભાઇ મિયાણા દ્વારા જાણ કરાતાં હેકો એચ.ડી. પાંડવ તથા સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.