જામનગર શહેરમાં પત્રકાર સોસાયટી પાસે આવેલા જલારામ નગરમાં રહેતાં અને મજુરીકામ કરતા યુવાને કેન્સરની બીમારીથી કંટાળીને તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ, જામનગર શહેરના ડીસીસી હાઈસ્કૂલ પાછળ પત્રકાર સોસાયટી નજીક આવેલા જલારામ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.36) નામના શ્રમિક યુવાનને છેલ્લા છ માસથી કેન્સરની બીમારી દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું અને દવા પણ ચાલુ હતી તેમ છતા આ બીમારીમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે તેના મકાનમાં ઉપરના માળે આવેલા રૂમના પંખામાં હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા પરિવારજનોએ યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી 108 ની ટીમે યુવાનનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતકના ભાઈ અનિરૂધ્ધસિંહ જાડેજાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.