જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં રહેતી યુવતીએ તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢની તબીયત એકાએક લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર શેરી નં.1માં સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતી અફરોઝાબેન અવેશભાઈ ખોળ (ઉ.વ.19) નામની યુવતીને છેલ્લાં સાતેક વર્ષથી માનસિક બીમારી થઈ હતી. આ બીમારીથી કંટાળીને શુક્રવારે રાત્રિના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું રવિવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા અવેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.3, રોડ નં.2 માં કંચનદિપ એપાર્ટમેન્ટમાં રહેતા દિક્ષીતભાઈ અજીતભાઈ ભટ્ટ નામના પ્રૌઢને ગત ગુરૂવારે સવારના સમયે તેના ઘરે ગેસની તકલીફ અને શરીરમાં દુ:ખાવો થતા તબિયત લથડવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે જગદીશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.