જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા યુવાને તેના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા ભિક્ષુક પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં રામવાડી-5 માં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના વતની કલ્પેશભાઈ દેવાયતભાઈ પીઠીયા (ઉ.વ.24) નામનો યુવાન પીજીવીસીએલમાં ફરજ બજાવતો હતો અને તે દરમિયાન સોમવારે બપોરના સમયે સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની હરેશભાઇ પીઠીયા દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કયા કારણોસર યુવાને જિંદગી ટૂંકાવી તે અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હવાઈ ચોક નજીક આવેલી ફૂટપાથ પરથી ગીરીશભાઈ અમૃતલાલ રાજપરા (ઉ.વ.53) નામના એકલવાયુ અને ભિક્ષુક જેવું જીવન જીવતા પ્રૌઢને બીમારી સબબ બેશુદ્ધ હાલતમાં અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભાવેશ રાજપરા દ્વારા જાણ કરાતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.