જામનગર શહેરના ડિફેન્સ કોલોની પાસે આવેલા બાલાજી પાર્કમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના મછલીવાડ ગામમાં આવેલા ખેતરમાં ખેતીકામ કરતા પ્રૌઢ ખેડૂતને જેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના ડિફેન્સ કોલોની પાસે આવેલા બાલાજી પાર્કમાં મકાન નં.109/5 મા રહેતા ગીતાદેવી સુશીલકુમાર વર્મા (ઉ.વ.43) નામના મહિલાએ અગમ્યકારણોસર શનિવારે વહેલીસવારના સમયે તેણીના ઘરે રૂમની છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ તે પૂર્વે જ મહિલાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ સુશીલકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન.જે. રાવલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામમાં રહેતાં જગદીશસિંહ લધુભા જાડેજા (ઉ.વ.59) નામના પ્રૌઢ ગત શનિવારે બપોરના સમયે તેના ખેતરે ખેતીકામ કરતા હતાં તે દરમિયાન પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે યુવરાજસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.