જામનગરમાં નાગેશ્વર કોલોનીમાં રહેતાં યુવાને પગના દુ:ખાવાની બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કાલાવડના આણંદપર ગામે યુવાને પોતાની વાડીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની શેરી નં.1 માં રહેતાં ભરતભાઈ પાંચાભાઈ ગુજરીયા (ઉ.વ.45) ને પોતાના પગમાં દુ:ખાવાની બીમારી હોય આ બીમારીથી કંટાળી જઈ ગઈકાલે મંગળવારે બપોરના સમયે પોતાના મકાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે રવજીભાઈ પાંચાભાઈ ગુજરીયા દ્વારા જાણ કરાતા હેકો કે.પી. સોઢા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતાં સંજયભાઈ કેશવજીભાઈ ટીલાળા (ઉ.વ.39) નામના યુવાને ગઈકાલે મંગળવારે સાંજના સમયે પોતાની વાડીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી લઇ જીંદગી ટૂંકાવી હતી. આ અંગે કેશવજીભાઇ રણછોડભાઈ ટીલાળાએ જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.