કલ્યાણપુર તાલુકાના દેવળિયાની વાડી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરૂણીએ તેણીના ઘરે પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ભાણવડ તાલુકાના કાટકોલા ગામના વાડી વિસ્તારમાં રહેતો યુવાન પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામાં ખાબડકતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામમાં રહેતાં પ્રૌઢનું અગમ્ય કારણોસર ઝેરી પાવડર ખાઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ સવાભાઈ આંબલીયાની 17 વર્ષની પુત્રી અંજલીબેને શનિવારે પોતાના ઘરે પોતાના હાથે પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા રામાભાઈ આંબલીયા દ્વારા કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ભાણવડ તાબેના કાટકોલા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ડાંગર (ઉ.વ.23) નામના યુવાન ગઈકાલે રવિવારે પોતાની વાડીએ પાણીની ટાંકી ભરવા માટે કુવા પાસે મોટર ચાલુ કરવા જતા અકસ્માતે તેમનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે કૂવામાં પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા સાથે કુવામાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ગોવિંદભાઈ જેતસીભાઈ ડાંગર એ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ત્રીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામની સીમમાં રહેતા પાલાભાઈ વજશીભાઈ કંડોરીયા (ઉ.વ.55) નામના પ્રૌઢે ગત તારીખ 31 માર્ચના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણસર પોતાના હાથે ઘઉમાં નાખવાનો ઝેરી પાઉડર ખાઈ લેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ પરબતભાઈ વજશીભાઈ કંડોરિયા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.