મકરસંક્રાંતિનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતી વખતે સલામતી જાળવવા અને અકસ્માત ન સર્જાઇ તે માટે તકેદારી રાખવા પીજીવીસીએલ દ્વારા સૂચનો જાહેર કરાયા છે.
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, જામનગર ના અધિક્ષક ઇજનેર વાય. આર. જાડેજા દ્વારા આથી જાહેર જનતાને વિનંતી કરવાની કે મકરસંક્રાંતિના પવિત્ર પર્વની આપણે સૌ સલામતીપૂર્વક ઊજવણી કરી શકીએ તે માટે આપને તથા આપના બાળકોને પતંગ ઉડાડતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા હાર્દિક વિનંતી છે.
પતંગનો માંજો બનાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવો તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો ન ચગાવે તેનું ધ્યાન રાખીએ.
આપના બાળકો, પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજથાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહિ, પતંગને વીજથાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખીએ.
પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ કેમ કે મેગ્નેટીક ટેપ વિજવાહક હોવાથી વીજવાયરને અડકે તો આપણા બાળકને વિજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વીજલાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખીએ.
વીજવાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બામ્બૂ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેની તકેદારી રાખીએ.
ચાઇનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વિજવાહક પદાર્થ વપરાયેલો હોય છે, તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન રાખીએ.
રાત્રીના અંધારામાં ફાનસ / ગુબારો વીજવાયરોમાં ન ફસાય તે અંગે કાળજી લેવી.