કોંગ્રેસના ઉદયપુરમાં યોજાનાર નવસંકલ્પ શિબિરની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ પહેલા ગઇકાલે પાર્ટીની રચિત પેનલે હાઈકમાન્ડ સમક્ષ મહત્વપૂર્ણ સૂચનો રાખ્યા હતા. તેમાંથી પ્રથમ- એક પરિવાર, એક ટિકિટ’ નીતિ લાગુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીજું- પાર્ટી પેનલમાં sc, st લઘુમતી, OBC અને મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનું સૂચન સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિએ એઆઈસીસી સહિત પાર્ટી નેતૃત્વને અન્ય ઘણા સૂચનો આપ્યા છે, તેણે વિવિધ સ્તરે પદાધિકારીઓનો કાર્યકાળ નક્કી કરવા પર પણ ભાર મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે આ સૂચનો ચિંતન શિબિરમાં રાખી શકાય છે.
સમયબદ્ધ બંધારણ સમીક્ષા સમિતિની રચના કરવી જોઈએ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી સાથે રાજય કોંગ્રેસ સમિતિઓ પોતાનું અલગ બંધારણ બનાવી શકે છે. રાજકીય બાબતોની સમિતિ, જાહેર આંતરદૃષ્ટિ સમિતિ અને જાહેર નીતિ પર સમિતિની રચના કરવાની તાતી જરૂર છે. વિવિધ નાગરિક જૂથો, નાગરિક સમાજ અને કર્મચારીઓ સાથે સંકલન કરવા માટે એક સમિતિની પણ રચના કરવી જોઈએ.
પારદર્શિતા લાવવા માટે, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન અને સીડબલ્યુસીમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ પર હિતધારકોની સાથે સાથે દેખરેખ રાખવી જોઈએ. જવાબદારી માટે એક મિકેનિઝમ વિકસાવી શકાય છે. પેનલે બ્લોક અને બૂથ વચ્ચે અને જિલ્લા અને રાજય વચ્ચે મધ્યવતીં સમિતિઓની રચના કરવાનું પણ સૂચન કર્યું છે. બ્લોકથી લઈને પીસીસી સ્તર સુધી સમિતિઓના તર્કસંગતીકરણની ભલામણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે ઉદયપુરમાં 13 થી 15 મે દરમિયાન કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદો, પ્રદેશ પ્રભારી, મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. પાર્ટીએ આ સત્રના એજન્ડાને આગળ વધારવા માટે સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સૂચનો તૈયાર કરી રહી છે.