દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા દિવસોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સાથે દિવસે દિવસે વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમાં પણ ખાસ કરીને ઓક્સિજન તથા વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓની સારવાર સરકારી તંત્ર તથા કોવિડ હોસ્પિટલના સંચાલકો માટે પડકારરૂપ બની રહી છે. કોરોનાની સારવાર કરતી હોસ્પિટલ માટે ઓક્સિજનની વ્યવસ્થા છેલ્લા દિવસોમાં ભારે વિકટ બની રહી છે. ખાનગી હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓની સારવાર તથા દાખલ કરવા માટેની અસમર્થતા ભરી પરિસ્થિતિએ દર્દીઓ તથા તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજન માટે એક પણ પ્લાન્ટ નથી. અહીંની સરકારી હોસ્પિટલમાં રિલાયન્સ દ્વારા ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવે છે. આ ઉપરાંત જામનગર હાઈ-વે પર આવેલા પડાણા ગામેથી હંસ તથા આશાપુરા નામના એકમ મારફતે ઓક્સિજનનું વિતરણ કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન પર્યાપ્ત જથ્થો મળી રહે તે માટેની કમાન પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ તથા ડીવાયએસપી સમીર સારડાએ સંભાળતા હાલ ઓક્સિજનના પ્રશ્ન અંગે મહદ અંશે રાહત જોવા મળી રહી છે.
અધિકારીઓ દ્વારા આ મહત્વના મુદ્દે પ્રાથમિકતા આપી, ખંભાળિયા નજીક આવેલા પડાણાના આશાપુરા પ્લાન્ટ ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગેની ચર્ચા-વિચારણા બાદ જાણીતા એવા લાઈફ લાઈન સર્જિકલ કંપનીના ભીખુભાઈ દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટની સંપૂર્ણ જવાબદારી સંભાળવામાં આવી હતી અને તેમાં ઘટતું મેન્ટેનન્સ કરાવી દિવસ દરમિયાન મર્યાદિત કલાકમાં ચાલુ રહેતા આ ઓક્સિજન પ્લાન્ટને હાલ 24 કલાક ધમધમતો કરી દેવામાં આવ્યો છે.
આ અંગે ડીવાયએસપી સમીર સારડા દ્વારા જણાવાયું હતું કે આશાપુરા પ્લાન્ટ દ્વારા માનવતાનું વલણ દાખવી અને તેમના ઉત્પાદનનો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટેની જરૂરિયાતનો તમામ ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડવામાં આવશે. હાલ 24 કલાક ચાલતા આ પ્લાન્ટમાંથી દરરોજ આઠથી દસ કલાક જેટલા સમયમાં આ જિલ્લાને જરૂરિયાત મુજબ ઓક્સિજન મળે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય સમયના ઉત્પાદનમાં જામનગર, મોરબી, પોરબંદર સહિતના સ્થળોએ ઓક્સિજન સપ્લાય થાય છે.
પડાણા સ્થિત આશાપુરા પ્લાન્ટ ખાતે ઉત્પાદિત થતા ઓક્સિજનને ટેન્કર માથે મારફતે રવાના કરાતા આ ટેન્કરને પોલીસ પાયલોટિંગ સાથે જિલ્લામાં જે-તે સ્થળે પહોંચાડવામાં આવે છે. આ માટે આ સ્થળે 24 કલાક પોલીસ કાફલો પણ તૈનાત રહે છે. જિલ્લામાં મોકલવામાં આવતા લિક્વિડ ઓક્સિજનના મોટા ટેન્કરમાંથી નાના ટેન્કરમાં અહીં લાવી અને સિવિલ હોસ્પિટલમાં ઠાલવવામાં આવે છે. જે પાઇપલાઇન મારફતે દર્દીઓ સુધી પહોંચે છે. આ સમગ્ર વિતરણ વ્યવસ્થા પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીએસઆઇ તથા પોલીસ અધિકારી- સ્ટાફની સતત નિગરાની હેઠળ કરવામાં આવે છે.
જિલ્લામાં આ સમગ્ર ઓક્સિજન વિતરણ વ્યવસ્થાની પારદર્શી કામગીરી માટે ’ઘર સિલિન્ડર ખંભાળિયા’ નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓની તેમજ સંલગ્ન વ્યક્તિઓને આ ગ્રુપમાં લેવામાં આવ્યા છે. ઓક્સિજન સાથેનું વાહન પ્લાન્ટમાંથી નીકળે ત્યારથી માંડી અને ડીલેવરી સુધીના લેટેસ્ટ અપડેટ અહીં મૂકવામાં આવે છે. જેથી આ અંગેની તમામ માહિતી અધિકારીઓ વિગેરેને મળી રહે. હાલ ઓક્સિજન પ્લાન્ટમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પરંતુ થોડી ઘણી પ્રતિક્ષા બાદ ઓક્સિજન લોકોને કે કોવિડ હોસ્પિટલને મળી રહે છે. એટલું જ નહીં, આ પંથકમાં આવેલા આરાધના નામના એક પ્લાન્ટ કે જે હાલ બંધ છે, તે પણ નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જશે પછી ઓક્સિજનની વિકટ પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તેવી આશા જોવા મળે છે.
ઓક્સિજનના અનેક સિલિન્ડર હાલ બજારમાં તથા ઘરોમાં છે. જેમાં ખાલી સિલિન્ડર નિયત સમયે જે-તે સ્થળે ન પહોંચતા રીફીલ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકતા નથી. આથી આવા ખાલી સિલિન્ડર જે- તે સ્થળે પરત જમા થાય તે માટેની અપીલ લાઇફ લાઈન કંપની તથા જિલ્લા સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં અનેક સેવાભાવીઓ સરકારી તંત્રને સહાયભૂત થવા માટે મેદાનમાં આવી ગયા છે. ખાસ કરીને ઓક્સિજન લેવલ ડાઉન થતાં દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે. ઓક્સિજન સિલિન્ડર ઉપર લગાડવામાં આવતા ફ્લો મીટરમાં અનેક સ્થળે તોતિંગ વધારો લાગુ કરાવી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં ફ્લોમીટરની વ્યાપક અછત સર્જાતા આ બાબત અહીંના ડી.વાય.એસ.પી. સમીર સારડાના ધ્યાને આવતા તેઓએ તેમના સંપર્ક મારફતે જરૂરી વ્યવસ્થા કરાવતા જામનગરના એક કારખાનેદારની મદદથી આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવી, ગણતરીના કલાકોમાં જ સાત ફલો મીટરની વ્યવસ્થા કરાવી આરોગ્ય વિભાગને ખાસ વાહન મારફતે પહોંચાડવામાં આવ્યા હતા.
આમ, ઓક્સિજનની અછતને પહોંચી વળવા સ્થાનિક તંત્રની જહેમત આવકાર દાયક બની રહી છે.