જામનગર શહેરમાં અંદાજિત રૂા. 700 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ યોજના માટે તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારી શરુ કરવામાં આવી છે. ત્યારે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆતને સફળતા મળી છે.
જામનગર શહેર રંગમતિ તથા નાગમતિ નદીઓના કિનારે વસેલુ શહેર હોય, જેમાં ચોમાસા ઋતુ દરમિયાન ભારે વરસાદ, ઉપરવાસમાં આવેલ રંગમતિ ડેમ તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવા તથા નજીકમાં આવેલ દરિયા ખાડીમાં ભરતી આવવાના સંજોગોમાં નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને ત્યાં વસતા લોકોના જાનમાલને ભારે નુકસાન થાય છે. આ નદીઓના કાઠા કાચા હોય, જેમાં સમયાંતરે ધોવાણ, કાંઠાની આસપાસની જગ્યામાં દબાણો તથા નદીઓમાં ગંદકીનું પ્રમાણ વધતું જાય છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને જામનગર શહેર વિસ્તારમાંથી પસાર થતી રંગમતિ તથા નાગમતિ નદીઓના કાંઠા પર રિવરફ્રન્ટ પ્રોજેકટ કરવા માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા એસજેએમએમએસવીવાય યોજના અંતર્ગત રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના થકી જામનગરના શહેરીજનોને નવું પર્યટન સ્થળ મળવાની સાથે શહેરીજનોને મળતી સુવિધામાં પણ વધારો થશે.
રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી છે. ત્યારે જામનગરી રિવરફ્રન્ટ યોજના માટે તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારી શરુ થઇ ચૂકી છે. જામનગર મહાનગરપાલિકાની ટુકડી સાથે જમીન માપણી કચેરીની ટીમ અને શહેર મામલતદાર દ્વારા હદ દિશા નક્કી કરવા માટે નદીકાંઠાના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આમ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની રજૂઆતને સફળતા મળી છે.