Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 4ના હાથણી વિસ્તારમાં મેટલ મોરમ રોડ કરવા અને પાણી વિતરણની...

વોર્ડ નં. 4ના હાથણી વિસ્તારમાં મેટલ મોરમ રોડ કરવા અને પાણી વિતરણની રજૂઆત

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નં. 4માં હાથણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાના પરિણામે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વાહનોની અવર-જવર બંધ હોવાના કારણે પાણીના ટેન્કરો પણ પહોંચી શકતા ન હોય, લોકોને પાણીની પણ સમસ્યા થઇ રહી છે. આ અંગે વોર્ડ નં. 4ના કોર્પોરેટર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં. 4ના હાથણી વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે પાણી ભરાઇ ગયા છે. તેથી લોકો હાલીચાલી શકતા નથી અને હાથણી વિસ્તાર જે સ્મશાનથી પુલ થઇ રેલવે ફાટકવાળો સીધો રસ્તો ખૂબ જ સાંકડો અને નાનો હોવાના કારણે વાહનોની અવર-જવર પણ બંધ છે. જેને પરિણામે છેલ્લા 15 દિવસથી પાણીના ટાંકા આવ્યા નથી. પાણી ઉતરે તો ટેન્કર દ્વારા પાણી મળી શકે. છેલ્લા 15 દિવસથી પાણીના ટેન્કરો આવ્યા ન હોય, લોકો પાણી માટે ખૂબ જ પરેશાન થઇ રહ્યાં છે. અગાઉ પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં મેટલ-મોરમ કે કોઇપણ કાર્યવાહી કરાઇ નથી.

આ ઉપરાંત રેલવે ફાટકની બાજુમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં દિવસ-રાત ખટારાની અવર-જવરના હિસાબે મોટા ખાડાઓ પડી ગયા છે અને કાચા રોડને નુકસાની થઇ છે. આ અંગે પણ જામ્યુકોમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કંપનીવાળા દાદ આપતા નથી અને જામ્યુકો દ્વારા બેડી બંદર પોલીસ સ્ટેશનથી વેસ્ટ ટુ એનર્જી કંપની સુધી મેટલ મોરમ મંજૂર કર્યું છે. ફકત કંપનીના ખટારાની અવર-જવર માટે આ મેટલ મોરમ મંજૂર કરાયું છે. પરંતુ હાથણી ગામના રહેવાસીઓ માટે કોઇપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ કામ અટકાવવામાં આવશે અને તેનો વિરોધ કરવામાં આવશે. આથી વોર્ડ નં. 4 હાથણી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે મેટલ મોરમ અને ગ્રીટ પાથરી રોડ બનાવવા તથા તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવા રજૂઆત કરાઇ છે. વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનબબેન ખફી, અસલ્મ ખિલજી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સારાબેન મકવાણા, કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular