અફઘાનિસ્તાનમાં સતા માટે તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે અંદરો-અંદરની લડાઇ જામી પડી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, સતા માટેનો આ ઝઘડો ફાયરીંગ સુધી પહોંચી ગયો હતો. જેમાં મુલ્લા બરાદર ઘાયલ થયા હોવાના અહેવાલો પણ વહેતા થયા છે. બીજી તરફ પંજશીરમાં ચાલી રહેલા યુદ્ધમાં 600 જેટલા તાલિબાનીઓ માર્યા ગયા હોવાનું અલઝઝીરાના એક રિપોર્ટમાં તાલિબાનીને ટાંકીને જણાવવામાં આવ્યું છે.
અફઘાનિસ્તામાં સત્તાને લઈને તાલિબાન અને હક્કાની નેટવર્કની વચ્ચે લડાઈ ચાલુ છે. અફઘાનિસ્તાનના ન્યુઝપેપર પંજશીર ઓબ્ઝર્વરના રિપોર્ટ મુજબ હકાની નેટવર્કની ફાયરિંગમાં તાલિબાનના કો-ફાઉન્ડર મુલ્લા બરાદર ઘાયલ થયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બરાદરની હાલ પાકિસ્તાનમાં સારવાર ચાલી રહી છે. જોકે તેની પુષ્ટિ થઈ શકી નથી.
અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની જાહેરાત પહેલા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના ચીફ લેફ્ટિનન્ટ જનરલ ફૈજ હામિદના કાબુલ પહોંચવાને લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ મરિયમ સોલાઈમનખિલેે કહ્યું છે કે ISI ચીફ કાબુલ પહોંચ્યા છે, જેથી આતંકી સંગઠન હક્કાની નેટવર્કના નેતાને તાલિબાની સરકારના પ્રમુખ બનાવી શકાય અને મુલ્લા અબ્દુલ ગની બરાદરને પ્રમુખ બનવાથી રોકી શકાય.
મરિયમે એમ પણ કહ્યું છે કે તાલિબાની ગ્રુપો અને મુલ્લા બરાદરની વચ્ચે ઘણા મુદ્દે અસહમતિ છે અને બરાદરે પોતાના લોકોને પંજશીરમાં ચાલી રહેલા યુદ્ધમાંથી દુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મરિયમના નિવેદન પહેલા એવી અટકળો હતી કે મુલ્લા બરાદર જ તાલિબાની સરકારના પ્રમુખ હશે.
પંજશીર તાલિબાન અને અહમદ મસુદની આગેવાનીવાળી રેજિસ્ટેંસ ફોર્સની વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રેજિસ્ટેંસ ફોર્સે દાવો કર્યો છે કે શનિવાર તેણે 600 તાલિબાનીઓને ઠાર કર્યા અને 1000 તાબિલાનીઓએ ક્યાં તો સરન્ડર કર્યું અથવા તો પકડી લેવામાં આવ્યા. જ્યારે અલ ઝઝીરાના એક રિપોર્ટ મુજબ તાલિબાનીનું કહેવું છે કે પંજશીરની રાજધાની બાજારક અને પ્રાંતીય ગવર્નરના પરિસર તરફ જતા માર્ગો પર લેન્ડમાઈન હોવાને કારણે તે આગળ વધી શકતા નથી.