Saturday, December 13, 2025
Homeરાજ્યજામનગરહાઈરાઈઝ કન્સ્ટ્રક્શન સામે જામપાની કડક કાર્યવાહી - VIDEO

હાઈરાઈઝ કન્સ્ટ્રક્શન સામે જામપાની કડક કાર્યવાહી – VIDEO

નિયમ ભંગ કરનાર 54 સાઇટ્સ પર કાર્યવાહી, રૂ. 5.40 લાખનો દંડ વસુલાયો

જામનગર શહેરમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન નિયમોના ઉલ્લંઘન સામે જામનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં વધતા હાઈરાઈઝ અને અન્ય બાંધકામના કામથી પ્રદૂષણ ન ફેલાય અને નાગરિકોના આરોગ્ય પર અસર ન પડે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા ખાસ એક સપ્તાહીય મુહિમ ચલાવવામાં આવી હતી.

- Advertisement -

આ મુહિમ દરમિયાન મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ચાલતા વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ્સનો વિસ્તૃત સર્વે કર્યો હતો. સર્વેમાં કુલ 75 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે આવી, જેમાંથી 54 સાઇટ્સ પર નિયમોનો ભંગ થતો હોવાનું નોંધાયું. આ તમામ સાઇટ્સ પર કામ કરતા બિલ્ડરોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

- Advertisement -

કન્સ્ટ્રક્શન દરમિયાન ધૂળ-રજ હવામાં ન ફેલાય, એર પોલ્યુશન ન વધે તેમજ આસપાસના વિસ્તારોમાં અસુવિધા ન સર્જાય તે માટે પાણીનો છંટકાવ, ગ્રીન નેટનો ઉપયોગ સહિતની જરૂરી સાવચેતી રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિયમોનું પાલન ન કરનાર દરેક સાઇટ પરથી રૂ. 10,000નો દંડ વસુલવામાં આવ્યો છે. આમ, કુલ 54 સાઇટ્સ પરથી મહાનગરપાલિકાએ રૂ. 5,40,000નો દંડ વસુલ્યો છે.

મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ શહેરમાં ચાલતા મોટા ભાગના કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ગ્રીન નેટનો ઉપયોગ શરૂ થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે, જે શહેરના સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ માટે મહત્વપૂર્ણ પગલું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી એક તરફ શહેરની તિજોરીમાં આર્થિક ફાયદો થયો છે, તો બીજી તરફ કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં નિયમોના પાલન પ્રત્યે જાગૃતિ પણ વધી છે. બિલ્ડરો અને ડેવલપરો દ્વારા પણ પાલિકાની આ પહેલને આવકારવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં તમામ નિયમોનું કડક પાલન કરવા તેમજ મહાનગરપાલિકાને પૂરતો સહકાર આપવા તેઓ સંમત થયા છે.

શહેરના હિતમાં લેવામાં આવેલી આ કાર્યવાહીથી જામનગરમાં સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને શિસ્તબદ્ધ વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular