રાજયના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરના ત્રાસ અંગે હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ અને હાઇકોર્ટની વારંવારની ફટકાર બાદ પણ કોઇ નકકર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલી રાજય સરકાર સામે હાઇકોર્ટે આકરૂં વલણ અખત્યાર કરતાં આખરે રાજય સરકારે તાજેતરમાં વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો. પરંતુ આ કાયદાની આકરી સજા અને દંડની જોગવાઇ સામે રાજયના માલધારી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠતાં રાજય સરકારની સ્થિતિ કફોડી બની છે. માથે ચૂંટણીઓ ગાજી રહી છે ત્યારે રાજય સરકાર વિટંબણામાં મૂકાઇ ગઇ છે. જો કાયદામાં ફેરફાર કે ઢીલાશ ન આપે તો માલધારી સમાજનો રોષ વહોરવો પડે તેમ છે.
બીજી તરફ જો કાયદામાં ફેરફાર કરી કાયદાને ઢીલો કરી નાખવામાં આવે તો હાઇકોર્ટની ફટકાર સહન કરવાનો વારો આવી શકે તેમ છે. આવી સ્થિતિમાં રાજય સરકારની સ્થિતિ સાપે છંછૂદર ગળ્યાં જેવી થઇ ગઇ છે.
માલધારી સમાજના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો આ કાયદો પરત ખેંચવામાં નહી આવે તો,માલધારી સમાજ વધુ ઉગ્ર આંદોલન કરશે. જો સરકારને કાયદો યથાવત રાખવો હોય તો શહેરી વિસ્તારોમાં પશુઓને રાખવાની વ્યવસ્થા કરવી જોઇએ.
આ ઉપરાંત સરકારે જે ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને આપી દીધી છે તે પરત લઇ લેવી જોઇએ. આમ, માલધારી સમાજના આક્રોશને પગલે સરકાર હવે ખેભડે ભરાઇ છે. વિધાનસભાની ચૂંટણીઓને જોતાં ભાજપ સરકારને માલધારીઓની અવગણના કરવી પોષાય તેમ નથી. ઢોર નિયંત્ર ણ કાયદાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કાયદાની ફેરવિચારણા કરવા ખાતરી આપી છે. વાસ્તવમાં સચિવાલયના સૂત્રોનુ કહેવુ છેકે, ચારેક દિવસ પહેલા ંજ વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કરાયો છે. હવે આ કાયદાને પરત લઇ શકાય નહીં. આ વાત માત્ર લોલીપોપ સમાન છે.
ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદો પસાર થયો છે ત્યારે હવે તેના નિયમો ઘડાશે.વિરોધ થઇ રહ્યો છે ત્યારે માલધારીઓને રાજી કરવા માત્ર જેલની સજા અને દંડની રકમમાં ફેરફાર કરાશે. પણ આ કાયદો રદ થશે નહીં.સરકાર આ કાયદો રદ કરવાના મતમાં નથી. હજુ દંડની રકમમાં કેટલી છૂટછાટ આપી તે દિશામાં ચર્ચા કરી સરકાર નિર્ણય કરશે.
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યો છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થતા ભાજપ અને સરકારે પીેછેહટ કરવી તેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ મામલે એવી પ્રતિક્રિયા આપી છેકે, કાયદામાં ફેર વિચારણા કરાશે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશુ. સી.આર.પાટીલે જણાવ્યુંકે, માલધારી સમાજના નેતાઓએ રજૂઆત કરી છે. હાલ મ્યુનિ.કોર્પોરેશનમાં પુરતા નિયમો છે એટલે કાયદાની જરૂર નથી. મુખ્યમંત્રીને રજૂઆત કરીશુ. મુખ્યમંત્રી આ મામલે હકારાત્મક છે.હાઇકોર્ટની માર્ગદર્શિકા આધારે સરકાર બિલ લાવી છે. માલધારી સમાજની લાગણીઓને જોતા આ કાયદામાં આગળ વધીશુ નહીં. કાયદો પરત ખેચવા સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ચારેક દિવસ પહેલાં જ વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ બહુમતીથી પસાર કરાયુ હતું.