કોર્ટ કેસોમાં અરજદારની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા સદંતર બંધ થવી જોઈએ તેમ જણવાતા સુપ્રીમ કોર્ટે તમામ રજિસ્ટ્રી અને અન્ય તમામ અદાલતોને આ પ્રથા તાત્કાલિક અટકાવવા નિર્દેશ કર્યો હતો.
જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દિન અમાનુલ્લાહની બેન્ચે દેશી તમામ હાઈકોર્ટને નિર્દેશ આપી હાઈકોર્ટ કે તેમના ન્યાાધિકાર ક્ષેત્ર હેઠળ આવતી અન્ય નીચલી અદાલતો સમક્ષ ફાઈલ કરવામાં આવતી પીટિશનના મેમો ઓફ પાર્ટીઝમાં અરજદારની જાતિ કે ધર્મનો ઉલ્લેખ ના થાય તે સુનિશ્ર્ચિત કરવા જણાવ્યું છે.
બેન્ચે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત હોય કે દેશની કોઈ પણ અન્ય અદાલત સમક્ષ અરજદારની જાતિ કે ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જણાતું નથી. આવી પ્રથા સંપૂર્ણપણે બંધ થવી જ જોઈએ અને હવે પછીથી તેનો ઉલ્લેખ ના થવો જોઈએ.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, આથી અમે આ મામલે એક સર્વસામાન્ય આદેશ જારી કરી નિર્દેશ આપીએ છીએ કે નીચલી કોર્ટમાં ઉલ્લેખ કર્યો હોવા છતાં હવે પછીથી આ કોર્ટ સમક્ષ ફાઈલ કરાયેલ અરજીમાં અરજદારના મેમો ઓફ પાર્ટીઝમાં જાતિ કે ધર્મનો ઉલ્લેખ નહીં કરવામાં આવે.
રાજસ્થાનની એક ફેમિલી કોર્ટમાં લગ્નસંબંધોમાં વિખવાદ અંગેના એક કેસની ટ્રાન્સફર અરજી અંગેના મામલે સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે મેમો ઓફ પાર્ટીઝમાં પતિ અને પત્ની બંનેની જાતિના કરાયેલા ઉલ્લેખ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અરજદારના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે, આ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા મેમો ઓફ પાર્ટીઝમાં જો કોઈ ફેરફાર કરવામાં આવશે તો રજિસ્ટ્રી દ્વારા વાંધો ઉઠાવાશે અને આ કેસમાં નીચલી અદાલત સમક્ષ બંને પક્ષકારોની જાતિનો ઉલ્લેખ કરાયો હોવાથી ટ્રાન્સફર પીટિશનમાં પણ બંનેની જાતિનો ઉલ્લેખ કર્યા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. કોર્ટ કેસ નક્કી કરતી હોય ત્યારે આરોપીની જ્ઞાતિ કે ધર્મને કોઇ લેવાદેવા નથી હોતી અને ચૂકાદાના ટાઇટલમાં તેનો ક્યારેય ઉલ્લેખ ન કરવો જોઇએ એમ બેન્ચે જણાવ્યું હતું.