Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયનીચા ભાવે સંગ્રહેલું ક્રૂડ, પેટ્રોલ-ડીઝલના ભાવો નીચાં લાવવામાં મદદરૂપ બની શકે

નીચા ભાવે સંગ્રહેલું ક્રૂડ, પેટ્રોલ-ડીઝલના ભાવો નીચાં લાવવામાં મદદરૂપ બની શકે

ભારતને વણમાંગી સલાહ આપતું ઓઇલ ઉત્પાદક રાષ્ટ્ર સાઉદી અરેબિયા

- Advertisement -

પેટ્રોલ-ડીઝલનાં તેજાબી ભાવ હવે વધુ જલદ બનવાની ભીતિ છે. ઓઈલ ઉત્પાદક દેશોનાં સંગઠન ઓપેક અને તેનાં સહયોગી દેશોએ તેની ઓઈલ ઉત્પાદન ક્ષમતામાં કોઈ જ વધારો નહીં કરવાનો એટલે કે ઘટાડો જારી રાખવાનો ફેંસલો કરી લીધો છે. તેનાં હિસાબે ક્રૂડતેલનાં ભાવમાં ઉછાળો નોંધાયો છે અને આની સીધી અસર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વર્તાશે. ભારતમાં વર્તમાન સંજોગોમાં અનેક શહેરોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની અભૂતપૂર્વ સપાટી આસપાસ છે. ત્યારે ઓપેકનો આ નિર્ણય ભારતની જનતાની રાહતની આશા ઉપર પાણી ફેરવી નાખનારો છે. ભારત સરકારને આશા હતી કે આગામી માસથી ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન વૃદ્ધિ કરવામાં આવે તો કિંમતો ઘટશે અને ટેક્સ ઘટાડયા વિના જ દેશમાં ઈંધણનાં ભાવમાં નરમાશ આવી જશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ઓપેક દેશોને ઓઈલનું ઉત્પાદન વધારીને ભાવમાં વધારો અટકાવવા અનુરોધ કર્યો હતો. જેને ઓપેક દેશોએ ફગાવી દીધો છે.
ઉત્પાદન નિયંત્રણમાં ઢીલ આપવાની ભારતની અપીલ નકારી કાઢવા સાથે સાઉદી અરબે ભારતને ઉલટા એવી સલાહ પણ આપી છે કે જ્યારે ક્રૂડતેલનાં ભાવ તળિયે ગયા હતાં ત્યારે ખરીદીને સંગ્રહ કરેલો જથ્થો અત્યારે છૂટો કરીને પણ ભાવ કાબૂમાં લાવી શકાય છે.
ઉત્પાદન કાપ ચાલુ રાખવાનાં ઓપેકનાં નિર્ણય પછી સૌથી વધુ વપરાતાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનાં ભાવમાં આશરે 1 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો હતો અને ભાવ વધીને 67.44 ડોલર પ્રતિબેરલે પહોંચી ગયો હતો. ઓપેક અને તેનાં સહયોગી દેશો એટલે કે ઓપેક પ્લસ દ્વારા બેઠકમાં સહમતી વ્યક્ત કરવામાં આવી હતી કે ઉત્પાદન વધારવું ન જોઈએ. આ દેશોનું માનવું છે કે, ઓઈલની માગમાં મજબૂત સુધારો આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જોઈએ. ઓપેકનો આ નિર્ણય ભારત જેવા દેશોની બદહાલી વધારી શકે છે.
ઓપેકનાં નિર્ણય પછી ઓઈલ મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આ નિર્ણય વપરાશ આધારિત સુધારા અને ઓઈલ આયાત કરતાં દેશોનાં ગ્રાહકોને હાની પહોંચાડશે. ભારત સૌથી મોટો ઓઈલ આયાતકાર દેશ છે અને ઓપેકનાં ઉત્પાદન કાપ યથાવત રાખવાનાં નિર્ણયથી ભારત જેવા ભાવ સંવેદનશીલ બજારોને માર પડશે.
દેશમાં ધગધગતી મોંઘવારી સામે કોંગ્રેસે હવે એક ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી છે. કોંગ્રેસે આને સ્પીક અપ અગેંસ્ટ પ્રાઈઝ રાઈઝ નામ આપ્યું છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વધતી મોંઘવારીની ખિલાફ કેન્દ્રની મોદી સરકાર સામે વધુ એકવાર હુમલો બોલાવતા કહ્યું હતું કે, સરકાર આમઆદમીને મોંઘવારીના દલદલમાં ધકેલી રહી છે. જેની સામે અવાજ ઉઠાવવો જ રહ્યો. રાહુલે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર ટેક્સની કમાણી કરવાં માટે જનતાને મોંઘવારીમાં ડૂબાડી રહી છે. તેની સામે અવાજ ઉઠાવો અને સ્પીકઅપ અગેંસ્ટ પ્રાઈસ રાઇઝમાં જોડાઓ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular