ભારતીય શેરબજાર ગુરૂવારે મોટા સુધારા સાથે ખુલ્યા હતા. જેમાં સૂચકાંક બીએસઇ સેન્સેક્સ બુધવારના 54647ના બંધની સામે ગુરુવારે લગભગ 1500 પોઇન્ટના ઉંચા ગેપમાં 56242ના સ્તરે ખૂલ્યો હતો. ક્રૂડ ઓઇલમાં 13 ટકાના ઘટાડાની સકારાત્મક અસર ભારતીય શેરબજારના આજના સુધારાનું ટ્રિગર બન્યુ છે. સાડા દસ વાગે સેન્સેક્સ 1371 પોઇન્ટના સુધારામાં 56017ના લેવલે ટ્રેડ થઇ રહ્યુ હતુ. તેવી જ રીતે બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ બુધવારના 16345ના ક્લોઝિંગ લેવલની સામે ગુરૂવારે 400 પોઇન્ટથી વધુના સુધારા સાથે 13757ના સ્તરે ઓપન થયો હતો. આ લખાય છે ત્યારે નિફ્ટી 16735ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
હાલ ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મત ગણતરીઓ ચાલી રહી છે જેની ઉપર શેરબજારની બાજ નજર છે. સાઉદી અરેબિયાએ ક્રૂડના ઉત્પાદનમાં સહાય કરવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં 14 વર્ષની ટોચેથી ઘટાડો જોવા મળતા અને શરૂઆતી મતગણતરીમાં ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટી લીડ મળતા શેરબજારમાં તેજીનો વંટોળ જોવા મળી રહ્યો છે.
એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 1000 અંકોના ઉછાળે 55,650ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 308 અંકોના ઉછાળે 16,653ના સ્તરે કામકાજ કરી રહ્યાં છે. જોકે બેંચમાર્ક ઈન્ડાયસિસ શરૂઆતી તેજી બાદ ઉપલા મથાળેથી 0.50% સુધી ઘટ્યાં છે.