રૂા.8100 કરોડના સ્ટર્લિંગ બાયોટેક બેન્ક ફ્રોડ કેસમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થયેલાં ચાર આરોપીઓ સૌ પ્રથમવાર વીડિયો કોન્ફરન્સિંગ મારફત દિલ્હી હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતાં. આ ચાર આરોપીઓ-નિતિન સાંડેસરા, તેનો ભાઇ ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલ કે જેઓ 10 ફેબ્રુઆરીના રોજ દિલ્હી હાઇકોર્ટના એક જજ સામે હાજર થયાં હતાં. તેમણે સોગંદનામું કરીને જણાવ્યું હતું કે તઓ હાલમાં નાઇજિરિયાના લાગોસમાં છે. તેમણે જાહેર કર્યું હતું કે, પોતાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાના નીચલી કોર્ટના ઓર્ડરને પડકારતી તેમની એફિડેવિટમાં જે હસ્તાક્ષર છે. તે બનાવટી નથી, જે ઇડીએ આરોપ મુકયો છે. દિલ્હી હાઇકોર્ટ ઇડીની દલીલને પાયા વગરની ગણાવીને સાંડેસરા દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશનને ડિસમીસ કરવાની ઇડીની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સાંડેસરા અને બેન્કો વચ્ચે સૂચિત વન ટાઇમ સેટલમેન્ટ પણ રીફર કરી હતી.
રસપ્રદ રીતે ઇડી અધિકારીઓએ ચાર આરોપીઓને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે પાસપોર્ટ પર તેમના જે ફોટોગ્રાફસ છે તે 2015થી અત્યાર સુધીમાં અરજદારો(સાંડેસરા)ને અનેકવાર બોલાવવામાં આવ્યા હતાં. જો કે તેમાના કોઇ વ્યકિતગત રીતે હાજર થયા ન હોવાના કારણે તેમને ઓળખવા અસંભવ છે, તેમ દિલ્હી હાઇકોર્ટના આદેશમાં જણાવાયું હતું. ઇડીએ ચાર આરોપીઓની અરજીને એ ગ્રાઉન્ડ પર ડિસમીસ કરવાની માંગણી કરી હતી કે આ અરજી કાં તો સાંડેસરા દ્વારા ફાઇલ કરવામાં આવી નથી અથવા તો તેમણે અપીલ સાથે જોડેલી એફિડેવિટ પર બનાવટી સહી કરી છે. ઇડીએ જણાવ્યું હતું કે, તેમની પાસે સાંડેસરાની કહેવાતી સહી પર હેન્ડરાઇટિંગ એકસ્પર્ટનો મત મળ્યો છે. અને તેમાં જાણવા મળ્યું છે કે ચાર આરોપીઓમાંથી કોઇની સહી એડમિટ કરવામાં આવેલી સહી સાથે મેચ થતી નથી.