જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતાં શખ્સના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેઈડ દરમિયાન સાત શખ્સોને રૂા.1.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના તરસાઈ ગામમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રૂા.12300 ની રોકડ રકમ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. જોડિયા તાલુકાના ટીંબડી ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.4760 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતાં જીગ્નેશ ગોરધન ચુડાસમા નામનો શખ્સ તેના મકાનમાં તીનપતિનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ વી પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન જીગ્નેશ ગોરધન ચુડાસમા, દર્શન અશોક ફળદુ, અમરશી દેવા બથવાર, વિનોદ જેરામ ભલસોડ, કિશોર છગન પરમાર, અર્જુન નાગજી મેથાણિયા, આંબા ટપુ વાભેલા નામના સાત શખ્સોને રૂા.36,570 ની રોકડ રકમ અને રૂા.25500 ની કિંમતના છ નંગ મોબાઇલ તથા રૂા.90 હજારની કિંમતના 3 બાઇક મળી કુલ રૂા.1,52,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ફારુકશા અહમદશા સરવદી નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.12300 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન હરપાલસિંહ રાજુભા ઝાલા, બાબુ ટપુ જીલરીયા, વિરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, રણજીતસિંહ મહોબતસિંહ જાડેજા નામના ચાર શખ્સોને રૂા.4760 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.