સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ત્રિ-દિવસિય નિ:શૂલ્ક તાલિમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે, જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાવા માંગતા જામનગરના તમામ નાગરિકો નિ:શુલ્ક યોગા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકશે. જામનગર શહેરમાં સ્થિત લાખોટા તળાવ પાસે ગેટ નંબર 6 અને 7 ખાતે સૂર્ય નમસ્કાર પ્રેક્ટિસના ભાગરૂપે ત્રિદિવસીય તમામ નાગરિકોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે.
આજથી તા.17 ડિસેમ્બર દરમિયાન સવારે 6:30 કલાકથી 7:30 સુધી અને સાંજના 6:30 કલાકથી 7:30 દરમિયાન સૂર્ય નમસ્કાર કરવા અંગેની તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત કોચ અને ટીચર્સ દ્વારા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાંથી 2198 વ્યક્તિગત, 10211 ઇન્સ્ટિટ્યુશનલ સ્તરેથી અને કુલ 12409 જેટલા નાગરિકોએ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધામાં ભાગ લેવા અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જયારે રાજ્ય સ્તરે કુલ 464753 જેટલા નાગરિકોએ આ સ્પર્ધામાંં ભાગ લેવા અંગેhttps://snc.gsyb.in/ લિંક પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
તેમજ, https://snc.gsyb.in/ આ લિંક પર તા.15 ડિસેમ્બર સુધી ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા અંગે રજીસ્ટ્રેશન થઈ શકશે. આ અંગે, વધુ વિગતો મેળવવા માટે જામનગર જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટરના મોબાઈલ નંબર- 8849815510 પર સંપર્ક સાધી શકાશે. તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.