દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ વધુ ઘેરો બની રહેનાર છે. આજથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા સલાયા અને ઓખા નગરપાલીકામાં પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થયો છે. આગામી તારીખ તેરમી સુધી હાથ ધરવામાં આવનાર આ ફોર્મ પ્રક્રિયામાં ઉમેદવારો ઉપરાંત ઉમેદવારોના ટિકિટ આપવા રાષ્ટ્રીય પક્ષોની પણ પરીક્ષા થશે.
આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર એમ ચાર તાલુકા પંચાયત ઉપરાંત ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ સાથે ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકા ઉપરાંત ઓખા નગરપાલીકામાં પણ વોર્ડ નંબર નવના એક સભ્ય માટેની ચૂંટણી થશે. આમ, જિલ્લામાં આગામી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યના આવતા પાંચ વર્ષ માટેના સભ્યો નક્કી કરવા માટે આજથી જિલ્લામાં તમામ ચાર તાલુકામાં સ્થાનિક મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી વિગેરે સ્થળોએ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
આગામી તા.13 ફેબ્રુઆરી સુધી હાથ ધરાનાર ઉમેદવારીપત્રો ભરવાના આ દિવસોમાં પ્રારંભિક સમયગાળામાં ઓછા ફોર્મ ભરાય અને રાષ્ટ્રીય પક્ષો પણ છેલ્લી ઘડીએ જ પોતાના ઉમેદવારોને વિવિધ પરિબળો તથા પાસાઓ ચકાસીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવા મળી રહી છે. આટલું જ નહિ, “સમાજસેવા” કરવા ઈચ્છતા કેટલાક ઉમેદવારો “તેલ જુઓ, તેલની ધાર જુઓ” ઉકિત મુજબ પોતાના અથવા તેમના સંબંધી, કુટુંબીજનના ઉમેદવારીપત્રો ભરે તો નવાઈ નહીં.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ચુંટણી અંગેના આરઓ તથા એઆરઓ દ્વારા સુચારૂરૂપે સંપન્ન થાય તે માટે વિવિધ દિશાઓમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.