જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર કલેકટર ડો. સૌરભ પારઘીએ સૌપ્રથમ બુસ્ટર ડોઝ લઇ બુસ્ટર ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુ. કમિશનર વિજય ખરાડી, સ્ટે. કમિટી ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઇ, જામનગર મહાનગર પાલીકાની હેલ્થ કમિટીના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
દેશમાં કોરોનાના કેસને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે. જેને જોતા સરકાર દ્વારા 15 થી 18 વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત તા. 3 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી હેલ્થવર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી હતી. બંને ડોઝ લીધેલ હોય તેમજ બીજા ડોઝને નવ મહિના એટલે કે 39 વિક પૂરા થયા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. તા.10-4-2021 સુધીમાં બીજો ડોઝ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓ તા.10-1-2022ના રોજ વેક્સિનના પ્રિકોશનરી ડોઝ માટે એલીજીબલ રહેશે. પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રિકોશનરી ડોઝ લેવા માટે લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.