16 જાન્યુઆરી 2021નો દિવસ ભારત માટે નવી આશા લઈને આવ્યો છે. કારણકે આ દિવસે ગુજરાત સહીત ભારતભરમાં કોરોના વેક્સીનેશન શરુ કરવામાં આવ્યું હતું. અને સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે 28 દિવસ થઇ ગયા છે. 28 દિવસ બાદ કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 77,66,319 લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સીનની સાઈડ ઈફેક્ટના દેશમાં અત્યાર સુધી 33 કેસ સામે આવ્યા છે જે પૈકી 21 સ્વસ્થ થઇ ચુક્યા છે. અને અન્ય લોકો ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક અને કોવિશીલ્ડ બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફેક્ટશીટ પણ કહે છે કે બન્ને ડોઝમાં 28 દિવસનું અંતર રાખવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર નથી કરાયો, એટલે કે ભારતમાં 28 દિવસના અંતરે જ બીજો ડોઝ આપવામાં આવે છે.
કોરોના વિરુદ્ધ મોટા ભાગની વેક્સિન બે ડોઝને ધ્યાનમાં રાખીને જ ડિઝાઈન કરાઈ છે. પહેલો ડોઝ તમારા શરીરને ટ્રેન કરે છે કે એ વાયરસના હુમલાને કેવી રીતે ઓળખે? સાથે જ ઈમ્યુન સિસ્ટમને તૈયાર કરે. આ ઈમ્યુન સિસ્ટમ જ બીમારીઓ વિરુદ્ધ શરીરની ડિફેન્સ સિસ્ટમ હોય છે. બીજા ડોઝને બૂસ્ટર શોટ કહે છે. આ ઈમ્યુન સિસ્ટમને વધારે છે. આ જ કારણે બન્ને ડોઝ લેવા જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાનું જરૂરી હશે, ત્યારે જ કોરોના વેક્સિનની અસર જોવા મળશે. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. નોંધનીય છે કે વેક્સિનનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી વિકસીત થશે.